તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઉતની સુરક્ષામાં વધારો:રાણેના પુત્ર દ્વારા કરેક્ટ કાર્યક્રમની ધમકી બાદ રાઉતની સુરક્ષામાં વધારો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારાયણ રાણેના બે પુત્રો નિલેશ અને નિતેશ રાણે મેદાનમાં ઊતર્યા
  • રાઉતની સુરક્ષાના કાફલામાં હાલમાં છ સશસ્ત્ર સ્પેશિયલ પ્રોટેકશન યુનિટના રક્ષકો છે, તેમાં બે વધારાના રક્ષકો ઉમેરાયા

નારાયણ રાણે અને શિવસેના વચ્ચે ઘર્ષણ બાદ અને રાણેના પુત્ર દ્વારા કરેક્ટ કાર્યક્રમ એવી સૂચક ધમકી બાદ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાઉતને હાલમાં વાય- ગ્રેડની સુરક્ષા છે. નિલેશ રાણે દ્વારા આપવામાં આવેલી ચેતવણી અને રાણે- શિવસેના વિવાદ બાદ આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

ઉપરાંત રાઉતના ઘર અને પક્ષના મુખપત્ર સામનાના કાર્યાલયની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. નારાયણ રાણેના પુત્ર માજી સાંસદ નિલેશે કરેક્ટ કાર્યક્રમ એવી સૂચક ધમકી આપતાં રાઉતની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભાંડુપમાં સંજય રાઉતના ઘરની બહાર પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાઉતની વાય-ગ્રેડ સુરક્ષાના કાફલામાં હાલમાં છ સશસ્ત્ર સ્પેશિયલ પ્રોટેકશન યુનિટના રક્ષકો છે. હવે એસપીયુના બે વધારાના રક્ષકો ઉમેરવામાં આવ્યા છે.

રાણે-શિવસેના વિવાદ બાદ ધારાસભ્ય નિતેશ રાણે અને ભૂતપૂર્વ સાંસદ નિલેશ રાણેએ સંજય રાઉતને ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સંજય રાઉત જ્યાં પણ જોવા મળશે ત્યાં અમે યોગ્ય કાર્યક્રમો કરીશું, તે પછી રાઉતની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાણેએ હાલમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની ભાષા કર્યા પછી યુવા શિવસેનાના કાર્યકરોએ રાણેના જુહુ સ્થિત બંગલોની બહાર દેખાવ કર્યા હતા, જેને લીધે રાણે ભડક્યા છે.

હકીકતમાં શિવસેના- રાણે વિવાદ મહારાષ્ટ્ર માટે નવો નથી. થોડા દિવસો પહેલાં રાજ્યમાં ફરી વિવાદ ભડક્યો હતો. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની સનસનીખેજ ટિપ્પણી સમગ્ર રાજ્યમાં ફરી વળી હતી. ભાજપ-સેના ફરી એક વખત આમનેસામને આવી ગયા હતા. આ બધામાં બંને પક્ષોના નેતાઓ વચ્ચે મોટી શાબ્દિક અથડામણો પણ થઈ હતી. દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનાના પહેલા પાનાના લેખમાં રાણેની ટીકા કરાઈ હતી. તેથી રાઉત અને રાણે વચ્ચે દલીલ શરૂ થઈ હતી. રાણેના બે પુત્રો નિલેશ અને નિતેશ રાણે મેદાનમાં ઊતર્યા હતા.

આ વખતે ઘણી ટીકા થઈ હતી. 25 ઓગસ્ટે સામનાના પહેલા પાનામાં રાણેને “બબલ ઇન હોલ’ ગણાવવામાં આવ્યા હતા. આ ટીકા પછી ભાજપ આક્રમક બન્યો હતો. આટલું જ નહીં, સામનાના સંપાદિકા રશ્મિ ઉદ્ધવ ઠાકરે સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે કહ્યું, હું સામનાનો એક્ઝિક્યુટિવ એડિટર છું. એ સંપાદકીય માટે હું જવાબદાર છું.

અંતર્ગત વિવાદમાં સુરક્ષા વધારીઃ ભાજપ
દરમિયાન ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે જણાવ્યું કે રાઉત સામે તેમના પક્ષ અંતર્ગત જ જોખમ વધી ગયું છે. હાલમાં તેઓ પક્ષનું નેતૃત્વ કરતાં દેખાય છે. તેઓ સંપાદક છે અને મારા મિત્ર હોવાથી મને ડર લાગે છે. સુરક્ષા વધારતી વખતે સરકારી યંત્રણાઓએ જોખમ કોનાથી છે તે જોવું જોઈએ. અમને લાગે છે કે તેમને જોખમ અંતર્ગત દુશ્મનોથી છે.

અન્ય સમાચારો પણ છે...