ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ ફરિયાદ:ફોન ટેપિંગ પ્રકરણે એફઆઈઆર સામે રશ્મિ શુક્લા મુંબઈ હાઈ કોર્ટમાં

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ બીકેસીમાં સાઈબર પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ ફરિયાદ
  • શુક્લાના વકીલ સમીર નાંગરેએ કહ્યું કે કેસમાં ધરપકડની શક્યતા હોવાથી તાકીદે સુનાવણી હાથ ધરવામાં આવે

અનધિકૃત રીતે ફોન ટેપિંગ અને પોલીસના પોસ્ટિંગ સંબંધી સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવા સંબંધે મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સંબંધમાં સિનિયર આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લાએ સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. શુક્લાના વકીલ સમીર નાંગરેએ પોતાના અસીલની આ કેસમાં ધરપકડની શક્યતા ધ્યાનમાં લેતાં તુરંત સુનાવણી લેવાની વિનંતી કરી હતી. શુક્લા 1988 કેડરના આઈપીએસ અધિકારી છે.

નાંગરેએ શુક્લા સામે પોલાસને કોઈ પણ કઠોર પગલાં નહીં લેવા રોકકો નિર્દેશ આપવા પણ વિનંતી કરી છે. રાજ્ય સરકારનું વલણ બોગસ અને બદઈરાદાનો કેસ કરીને અરજદાર સામે કાર્યવાહી કરવાનું છે, એમ અરજીમાં આરોપ કરવામાં આવ્યો છે.

શુક્લા હાલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના સાઉથ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ છે અને હૈદરાબાદમાં પોસ્ટિંગ પર છે. શુક્લા સામે મહારાષ્ટ્રના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ફોન અનધિકૃત રીતે ટેપ કરવાના અને અમુક ગોપનીય દસ્તાવેજો લીક કરવાના આરોપ અજ્ઞાત વ્યક્તિ પર મૂકવા બદલ મુંબઈમાં બીકેસી સાઈબર પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શુક્લા સ્ટેટ ઈન્ટેલિજન્સ વિભાગનાં પ્રમુખ હતાં ત્યારે ફોન ટેપ કરવામાં આવ્યા હતા.

શુક્લાએ રાજ્યના તત્કાલીન પોલીસ પ્રમુખને પોલીસ ટ્રાન્સફરમાં ભ્રષ્ટાચાર ચાલે છે એવો આરોપ કરતો પત્ર લખ્યો હતો. અર્થાત, ફોન ટેપિંગને આધારે આ ભ્રષ્ટાચાર તેમણે પકડી પાડ્યો હતો, જે પત્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક પત્રકાર પરિષદમાં લીક કર્યા હતા.

પત્રમાં કોના કોલ ટેપ કરવામાં આવ્યા તેની પણ વિગતો છે, જેને લઈ શિવસેનાની આગેવાની હેઠળની સરકારના નેતાઓએ શુક્લાએ પરવાનગી લીધા વિના ફોન ટેપ કર્યા એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો. આથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેને તપાસ સોંપવામાં આવી હતી. તેમણે શુક્લાએ ફડણવીસને ગોપનીય અહેવાલ આપ્યો હોવાની શંકા છે એવું તારણ તપાસમાં કાઢ્યું હતું, જેને આધારે પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ગયા મહિને પોલીસે શુક્લાને 26 એપ્રિલ અને 28 એપ્રિલે બે સમન્સ જારી કર્યા હતા. તેમને મુંબઈમાં બીકેસી સાઈબર વિભાગમાં આવીને નિવેદન નોંધાવવા માટે જણાવ્યું હતું. જોકે શુક્લા આવ્યાં નહોતાં. સોમવારે તેમને વકીલે હાઈ કોર્ટના રજિસ્ટ્રાર સામે અરજી કરીને જસ્ટિસ એસ એસ શિંદે અને મનીષ પિતળેની ખંડપીઠ સામે 4 મેએ તાકીદે સુનાવણી લેવા માટે વિનંતી કરી હતી.

મંત્રી અને રાજકારણીની સાઠગાંઠ
એફઆઈઆર સંબંધમાં પોલીસ દ્વારા કોઈ પણ કઠોર પગલાં લેવાથી રોકવા માટે તાકીદે રાહત આપવાની વિનંતી શુક્લા વતી કરવામાં આવી છે. અરજીમાં એવો પણ આરોપ કરાયો છે કે શુક્લાએ મંત્રીઓ અને રાજકારણીઓ વચ્ચેની સાઠગાંઠને અને પોલીસ અધિકારીઓના પોસ્ટિંગમાં અન્ય ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા છે.

અરજદારે વિધિસર ફરજ બજાવવા દરમિયાન સાહસ અને ઈમાનદારીથી આ ફરજ પાર પાડી છે અને કસૂરવાર સામે કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડે અને બંધ થાય તેવા પ્રયાસ કરાયા હતા, એમ અરજીમાં જણાવાયું છે. આવા સમયે તેમનાં કામની સરાહના કરવાને બદલે તેમની જ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ અરજીમાં જણાવ્યું છે, જેની સુનાવણી મંગળવારે થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...