તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:રાણેની ધરપકડ યોગ્ય પણ કસ્ટડીની જરૂર નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણેને જામીન પર છોડતાં ફરિયાદીને જોખમ નહીં થાય

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી અને સમાજમાં વેરઝેર પેદા કરતું વિધાન કરવાના આરોપ હેઠળ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મંગળવારે સંગમેશ્વરમાં ધરપકડ કરવામાં આવી, જે પછી મહાડની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટના જજે મોડી રાત્રે જામીન પર તેમને છોડી મૂક્યા હતા. આ સમયે મેજિસ્ટ્રેટે નોંધ કરી હતી કે રાણેની ધરપકડ યોગ્ય છે, પરંતુ તેમને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની જરૂર નથી, એવી નોંધ કરીને કોર્ટે સાત દિવસની કસ્ટડીની પોલીસની માગણી નકારી કાઢી હતી.

24 ઓગસ્ટે રાણેની ધરપકડ બાદ દેશઆખામાં જેની પર મીટ મંડાયેલી આ કેસમાં જજે રાત્રે પણ સુનાવણી લીધી હતી, જેમના આદેશની નકલ 25 ઓગસ્ટે સામે આવી ચે. ધરપકડ કરવામાં આવેલાં કારણો અને અન્ય કારણો પણ ધરપકડની કાર્યવાહી માટે યોગ્ય છે એવું મને લાગે છે એમ જજ એસ એસ પાટીલે આદેશમાં જણાવ્યું હતું.રાણે વિરુદ્ધ લાગુ કરવામાં આવેલી અમુક કલમમાં જામીન મંજૂર કરાતા નથી. તે કલમો અંતર્ગત આજીવન કારાવાસ અથવા મૃત્યુદંડની જોગવાઈ નથી. જોકે આરોપીને જામીન પર છોડતાં ફરિયાદીને કોઈ પણ જોખમ ઊભું નહીં થશે એવી નોંધ કરીને જજે જામીન મંજૂર કર્યા હતા. જોકે આ સાથે આરોપીને ફરી આ રીતે ગુનો નહીં કરવા તાકીદ પણ આપી હતી.

રાણે પાસેથી લેખિત બાંયધરી લેવાઈ
રૂ. 15,000ના હાથમુચરકાના જામીન પર રાણેને છોડવામાં આવ્યા. આ સાથે ભવિષ્યમાં આવું વક્તવ્ય નહીં કરે એવી બાંયધરી કોર્ટે લખાવી લીધી હતી. રાણેએ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ વિધાન કર્યા પછી પુણે, રાયગડ, નાશિક અને થાણેમાં તેમની સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. રાણે વિરુદ્ધ અનેક સ્થળે શિવસેના દ્વારા દેખાવ કરાયા હતા. આ સામે ભાજપ દ્વારા પણ શિવસેના વિરુદ્ધ દેખાવ કરાયા હતા.

ભોજન કરવા સમયે ધરપકડ
રાણેના નેતૃત્વમાં કોંકણ વિભાગીય જન આશીર્વાદ યાત્રા મંગળવારે બપોરે 12.00 વાગ્યે ચિલપૂણના સંગમેશ્વર તાલુકાના ગોળવલી ખાતે પહોંચી. ત્યાંથી ગોળવલકર ગુરુજી સ્મારકમાં કાર્યક્રમ આટોપીને ભોજન કરતા હતા ત્યારે જલ્લા એસપીડો. મોહિતકુમાર ગર્ગ ત્યાં પોતાના કાફલા સાથે દાખલ થયા હતા. આથી ધરપકડની શંકા જતાં રાણેના વકીલોએ રત્નાગિરિ જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

જોકે તે ફગાવી દેવાતાં હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં પણ તુરંત સુનાવણી નહીં લઈ શકાય એવી નોંધ કરાઈ હતી. આ પછી પોલીસ પાસે ધરપકડ કરવા વોરન્ટ રજૂ કરવા રાણે સમર્થકોએ દબાણ કર્યું હતું. આખરે ગર્ગે રાણેને સમજાવીને સંગમેશ્વર પોલીસ સ્ટેશને લઈ ગયા, જ્યાંથી મહાડ પોલીસના કબજામાં સોંપ્યા.

બંને તરફ ધારદાર દલીલો
રાત્રે 8.30 વાગ્યે મહાડ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લવાયા. 9.45 વાગ્યે કોર્ટ સામે હાજર કરાયા, જ્યાં પોલીસે સાત દિવસની કસ્ટડી સરકારી વકીલોએ માગી, જ્યારે રાણેના વકીલોએ ધરપકડ કરવા પૂર્વે નોટિસ નહીં આપી, ધરપકડ ખોટી પદ્ધતિથી કરાઈ એવી દલીલ કરી હતી. આ સાથે રાણેનું બ્લડ પ્રેશર અને શુગર વધી ગયું હતું તેની તપાસનો અહેવાલ પણ કોર્ટને સુપરત કરાયો. બંને બાજુ પોણો કલાક દલીલો સાંભળ્યા પછી મોડી રાત્રે કોર્ટે રાણેનો જામીન પર છુટકારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...