રાહત:દિશા સાલિયનની બદનામીના કેસમાં રાણે પિતા-પુત્રને રાહત

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટે બંનેની 10 માર્ચ સુધી ધરપકડ નહીં કરવા માટે આદેશ આપ્યા

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન વિશે બદનામીકારક અને ગેરમાર્ગે દોરતું નિવેદન કરવાના કેસમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર વિધાનસભ્ય નિતેશ રાણે સામે માલવણી પોલીસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સંબંધમાં બંને વતી દિંડોશી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે કરવામાં આવી હતી, જેમાં તેમને વચગાળાની રાહત મળી છે.

રાણે પિતા- પુત્રએ તેમના વકીલ સતીશ માનેશિંદે થકી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાં કોર્ટે બંનેને 10 માર્ચ સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. આ મામલો સુનાવણીમાં આવતાં વિશેષ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જવાબ નોંધાવવા માટે સમય માગ્યો હતો.

આથી કોર્ટે સુનાવણી 10 માર્ચ સુધી મોકૂફ રાખી હતી અને ત્યાં સુધી બંનેની ધરપકડ નહીં કરવા માટે કોર્ટે પોલીસને સૂચના આપી હતી. દરમિયાન હવે રાણે પિતા- પુત્રનું શનિવારે પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવે એવી શક્યતા છે.

પોલીસે બંને સામે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર (સીઆરપીસી)ની કલમ 41એ હેઠળ તેમનાં નિવેદન નોંધાવવા માટે હાજર થવા નોટિસો જારી કરી હતી.19 ફેબ્રુઆરીએ રાણેએ એક પ્રેસ કોન્ફરન્સ લઈને દિશાના મૃત્યુ સંબંધમાં અમુક દાવા કર્યા હતા. આ સમયે રાણેના પુત્ર નિતેશ પણ હાજર હતા.

બંનેએ દાવો કર્યો હતો કે દિશા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તે પછી તેની હત્યા કરવામાં આવી હતી.આ પછી દિશાની માતા વાસંતીએ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને મળીને વિવિધ મંચો પર સાલિયન પરિવારની બદનામી કરવા માટે રાણે અને અન્યો સામે પગલાં લેવાની માગણી કરી હતી.નોંધનીય છે કે 8 જૂન, 2020ના રોજ મલાડમાં બહુમજલી ઈમારતમાંથી ભૂસકો મારીને દિશાએ આત્મહત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...