તબીબી સહાયની માગણી:જેલમાં રાણાની તબિયત બગડી; જેલ તંત્રએ ઉદાસીનતા દાખવી, રાણાના વકીલે જેલ એસપીને પત્ર લખ્યો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાંદરામાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાનો પડકાર ફેંક્યા બાદ અમરાવતીનાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ બાડનેરના વિધાનસભ્ય રવિ રાણા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે ભાયખલા જેલના એસપીને પત્ર લખ્યો છે.

રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટ દ્વારા લખાયેલા આ પત્રમાં પોતાના અસીલને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાની માગણી કરવામાં આવી છે.પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેમને ઘણા કલાકો સુધી જમીન પર બેસાડવામાં આવ્યાં હતાં અને તેમને જમીન સૂવાની ફરજ પાડવામાં આવી હતી, જેના કારણે તેમને સ્પોન્ડિલોસિસનું દર્દ થઈ રહ્યું છે અને ઘણી વખત ફરિયાદ કર્યા પછી જે. જે. હોસ્પિટલમાં 27 એપ્રિલે સારવાર માટે મોકલવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલે સિટી સ્કેનની વાત કરી હતી, પરંતુ તે પછી પણ તેમને આ સુવિધા આપવામાં આવી નહોતી.જેજે હોસ્પિટલના ડોક્ટરે ખાસ લખ્યું છે, કે રાણાનું સિટી સ્કેન કરાવવું ફરજિયાત છે, જેથી તેઓ સમજી શકે કે સ્પોન્ડિલોસિસની સમસ્યા કેટલી ગંભીર છે, પરંતુ સંબંધિત અધિકારીઓએ આવું ન કર્યું અને જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી કઈ દવા લેવી, સારવાર કરવી કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ છે.

તેમણે કહ્યું કે અમે સંબંધિત અધિકારીઓને વિનંતી કરી છે, પરંતુ અમારી વિનંતી સ્વીકારવામાં આવી નથી. આના કારણે અમે કહીએ છીએ કે જો રાણાની સમસ્યા વધે અને તેમને કંઈક થાય તો તેના માટે જેલ પ્રશાસન જવાબદાર રહેશે.

જેલના એસપીએ શું કહ્યું?
ભાયખલા જેલના એસપી યશવંત ફડના જણાવ્યા અનુસાર, જેજે હોસ્પિટલના ડૉક્ટરોએ અમને ચિકિત્સક પાસેથી અભિપ્રાય લેવા અને પછી તેમના અભિપ્રાયના આધારે સારવારની પ્રક્રિયા આગળ વધારવાનું કહ્યું. તેમણે કહ્યું કે સિટી સ્કેનનો કોઈ સીધો સંદર્ભ નથી. રાણાની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કર્યા બાદ અમે સોમવારે અથવા આગામી 1-2 દિવસમાં તબીબ પાસેથી અભિપ્રાય લઈશું.

અન્ય સમાચારો પણ છે...