કાર્યવાહી:રાજ કુંદ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ માટે ઈડી દ્વારા પણ ગુનો દાખલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોર્ન ફિલ્મમાંથી કમાણી વિદેશના બેન્ક ખાતામાં જમા કરી, 43ને સાક્ષી બનાવવામાં આવ્યા છે તેમાં શિલ્પા શેટ્ટી અને શર્લિન ચોપરાએ પણ સાક્ષી આપી છે

પોર્ન ફિલ્મ કેસમાં ધરપકડ કરવામાં આવેલા રિપુ સુદન બાલકિશન કુંદ્રા ઉર્ફે રાજ કુંદ્રા (45)ની મુશ્કેલીઓ વધી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ વિરુદ્ધ હાલમાં જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે દાખલ કરેલી ચાર્જશીટમાં તેને મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. દરમિયાન રાજે પોર્ન ફિલ્મમાંથી આવેલી કમાણી વિદેશની બેન્કના ખાતામાં ફેરવતાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા રાજ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આથી ક્રાઈમ બ્રાન્ચના કેસમાં છુટકારા પછી રાજની ઈડીના કેસમાં ધરપકડ કરવામાં આવશે. રાજે પોર્ન ફિલ્મના વેચાણમાંથી ઊપજેલું ભંડોળ લોઈડ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કર્યું હોવાનો આરોપ છે.

19 જુલાઈ, 2021ના રોજ પોર્ન ફિલ્મમાં રાજની ધરપકડ કરવામાં આવી હતી, જે પછી છેલ્લા બે મહિનાથી તે કસ્ટડીમાં છે. રાજ જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેને સફળતા મળી નથી. પોલીસે ગત બુધવારે રાજ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 43 જણને સાક્ષી બનાવવામાં આવ્યા છે. તેમાં શિલ્પા શેટ્ટી અને શર્લિન ચોપરાએ પણ સાક્ષી આપી છે. શિલ્પાએ પોતે પોતાનાં કામોમાં વ્યસ્ત રહેતી હોવાથી રાજ શું કરતો હતો તેની જાણ નથી એવું નિવેદન આપ્યું છે.

જોકે પોલીસે રાજની સંડોવણીના પાક્કા પુરાવા શોધી કાઢ્યા છે. આથી રાજની આ મામલામાં ભીંસ વધી રહી છે. બીજી બાજુ હવે ઈડી પણ મેદાનમાં આવતાં રાજ વધુ ભીંસમાં આવી શકે છે. પોર્ન ફિલ્મ કેસમાં અભિનેત્રી ગહના વશિષ્ઠ પણ એક આરોપી છે, જેની વિરુદ્ધ પોર્ન ફિલ્મના વધુ કેસ નોંધાયા છે અને તેમાં તે આગોતરા જામીન મેળવવા માટે મથામણ કરી રહી છે.

રાજ સહિતના આરોપીઓ સામે એવા આરોપ છે કે મુંબઈમાં માલવણી, રાયગડ, લોનાવાલા ખાતે સૂમસામ જગ્યામાં તેઓ બંગલો ભાડા પર રાખતા હતા. અહીં સ્ટ્રગલ કરતી મોડેલ અને અભિનેત્રીઓને ફિલ્મ, વેબ સિરીઝ, ટીવી સિરિયલમાં કામને બહાને બોલાવી લેવાતી હતી. તેમને સાથે કરાર કરવામાં આવતા હતા, જે પછી નિર્વસ્ત્ર દશ્યો આપવા માટે મજબૂર કરાતી હતી. અમુકને તો મહેનતાણું પણ અપાયું નહોતું. આમાંથી કેટલીક યુવતીઓએ પોલીસ ફરિયાદ કરી છે, જેને આધારે આ આખો કેસ બનાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...