હવામાન:મુંબઈમાં વરસાદે જૂન મહિનાનો ક્વોટા 10 દિવસમાં પૂરો કર્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે અને આવતીકાલે અતિવૃષ્ટિની આગાહી

મુંબઈમાં વરસાદે જૂન મહિનાનો ક્વોટા છેલ્લા 10 દિવસમાં પૂરો કર્યો છે. તેમાંય 9 જૂને વિધિસર ચોમાસુ બેઠા પછી આખો દિવસ મુશળધાર વરસાદ પડ્યો હતો, જે પછી શનિવાર સુધીમાં જૂન મહિનાનો કવોટા પૂરો કરી દીધો છે.શનિવારે સવારે 8 વાગ્યા સુધી ઉપનગરમાં 26 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આખા જૂન મહિનામાં સામાન્ય રીતે આશરે 20 ઈંચ વરસાદ પડતો હોય છે.

ગયા વર્ષે આ જ સમયગાળામાં આશરે 10 ઈંચ વરસાદ પડ્યો હતો.આ સાથે તાપમાન પણ 29 ડિ.સે. સુધી નીચે આવ્યું હતું, જે સામાન્ય કરતાં3 ડિ.સે. ઘટ્યું હોવાથી ગરમીથી મુંબઈગરાનો છુટકારો થયો છે.દરમિયાન શુક્રવારે સવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ બપોરે ફરી શાંત થઈ ગયો હતો. જોકે રાત્રે ફરીથી વરસ્યો હતો, જે પછી શનિવારે બપોર સુધી વરસ્યા બાદ ફરી શાંત થયો હતો. શુક્રવારે સવારે 8થી શનિવારે સાંજ 5 સુધી મુંબઈમાં લગભગ સાત ઈંચ વરસાદ પડ્યો હતો.

નૌકાદળ, તટરક્ષક સહિત બધાં એલર્ટ
હવામાન વિભાગે રવિવાર અને સોમવારે અતિવૃષ્ટિનો ઈશારો આપ્યો છે, જેને લઈ મહાપાલિકાના સર્વ વિભાગો સાથે નૌકાદળ, તટરક્ષક દળને પણ સતર્ક કરવામાં આવ્યાં છે. દરમિયાન શનિવારે સવારે ભારે વરસાદને લઈને બાંદરા નેશનલ કોલેજ, અંધેરી વીરા દેસાઈ રોડ, સાઈનાથ સબવે ખાતે પાણી ભરાયાં હતાં. ઘર અને દીવાલો તૂટી પડવાની 11 ફરિયાદો આવી હતી. શોર્ટ સરકિટની 15 ફરિયાદો આવી હતી. મધ્ય અને હાર્બર લાઈનનો ટ્રેનવ્યવહાર શનિવારે પણ ખોડંગાયો હતો. જોકે પશ્ચિમ રેલવેની ટ્રેન રાબેતા મુજબ સમયસર દોડતી હતી.

જળાશયોમાં પણ સારો વરસાદ
મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયોમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. શનિવારે સવારે 6 સુધી સર્વ જળાશયોમાં 1,85,971 મિલિયન લિટર પાણી હતું, જે 2020માં 1,87,603 અને 2019માં 1,11,080 મિલિયન લિટર હતું. આથી આ રીતે જ વરસાદ ચાલુ રહેશે તો આગામી મોસમમાં પાણીકાપનો સામનો નહીં કરવો પડશે, એમ પાણી વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...