ભાસ્કર વિશેષ:મુંબઈ યુનિ.માં 5 હજાર ઝાડને ક્યૂઆર કોડ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં જોવા મળતા પક્ષી, કીટકોની પણ નોંધ

મુંબઈ યુનિવર્સિટીના કલિના કેમ્પસમાં 5 હજાર ઝાડને ક્યૂઆર કોડ લગાડવામાં આવ્યો છે. એના દ્વારા ઝાડનું નામ, વૈજ્ઞાનિક સંજ્ઞા, ગુણધર્મ, દવા અને અન્ય ઉપયોગની વિગતવાર માહિતી જોઈ શકાશે. યુનિવર્સિટીના ભૂગોળ અને લાઈફ સાયન્સ વિભાગે પ્રયત્ન કરીને આ ઝાડની નોંધ કરી છે. એ સાથે જ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં જોવા મળતા પક્ષી, કીટકોની પણ નોંધ કરવામાં આવી હશે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે મુંબઈ યુનિવર્સિટીના ભૂગોળ, લાઈફ સાયન્સ અને એનએસએસ પોસ્ટડિગ્રી વિભાગના સમન્વયથી જૈવવિવિધતા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ અંતર્ગત યુનિવર્સિટીમાં 10 સેન્ટિમીટર કરતા વધુ આકારના 5 હજાર 357 ઝાડની નોંધ એટલે કે જિયો ટેગિંગ કરીને તેમને ક્યૂઆર કોડ લગાડવામાં આવ્યો. એના દ્વારા યુનિવર્સિટીમાં કયુ ઝાડ ચોક્કસ ક્યાં છે એની માહિતી મળે છે. તેમ જ ઝાડનું સામાન્ય બોલીમાં વપરાતું નામ, વૈજ્ઞાનિક સંજ્ઞા, ગુણધર્મ, દવા અને બીજા ઉપયોગ વગેરેની વિગત સહેલાઈથી ઉપલબ્ધ થાય છે.

ઉપરાંત ઝાડની કાર્બન ગ્રહણ કરવાની ક્ષમતા પણ નોંધવામાં આવી છે. એ જોવા માટે લીવ ગ્રીન નામની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ કામમાં સેંટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્ર શિંદે અને રાજદેવ સિંહનો સહયોગ મળ્યો હતો. રાજેન્દ્ર શિંદે બોટનિસ્ટ અને ટેક્સનોમિસ્ટ છે. ઝાડના લગાડવામાં આવેલ ક્યૂઆર કોડ છાપવા વિદ્યાર્થી વિકાસ વિભાગ અને કેઈએલઈ કોલેજે આર્થિક મદદ કરી.

આ ઉપક્રમમાં માહિતી ભેગી કરવા માટે 24 વિદ્યાર્થીઓએ મહેનત કરી. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ પણ કુદરત સાથે માહિતીગાર થતા દેખાયા. યુનેસ્કોના શાશ્વત વિકાસ માટે શિક્ષણ ધોરણનો અનુભવ અમને મળ્યો. એમાં લાઈફ સાયન્સ વિભાગના નિશા શાહ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ડીન અનુરાધાનું મહત્ત્વનું યોગદાન છે એમ ભૂગોળ વિભાગના ડો. અપર્ણા ફડકેએ જણાવ્યું હતું.

જૈવવિવિધતાની મહત્વની નોંધ
જૈવવિવિધતા અહેવાલમાં પક્ષીઓ અને બીજા સૂક્ષ્મ જીવોની પણ નોંધ કરવામાં આવી છે. યુનિવર્સિટીના વચ્ચે પાણીવાળી જગ્યા હોવાથી ત્યાં અનેક યાયવર પક્ષીઓ આવે છે. અંદાજે 64 પ્રજાતિઓના પક્ષીઓની નોંધ કરવામાં આવી છે જેમાં 10 પ્રકારની કીડીઓ સહિત અનેક પ્રકારના સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ છે. યુનિવર્સિટીમાં 137 કરતા વધુ પ્રજાતિના ઝાડ છે જેમાં રક્તચંદન, કોકમ, મયુરપંખ જેવા મહત્વના ઝાડનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...