તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Promises Still Unfulfilled 12 Years After 26 11 Attacks, Tribute On 12th Anniversary Of 26 11 Attacks

શ્રદ્ધાંજલિ:26/11ના હુમલાના 12 વર્ષ પછી પણ વચનો અધુરાં, 26/11ના હુમલાની 12મી વરસીએ શ્રદ્ધાંજલિ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26/11ના હુમલાને 12 વર્ષ વીતી ગયા છતાં રાજકીય રીતે ઘાયલો સહાયથી વંચીત
  • આતંકી કસાબની ધરપકડનો કિસ્સો પણ પોલીસે યાદ કર્યો

26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદીઓ સામે લડીને શહીદ થયેલાને ગુરુવારે 26/11ના હુમલાની 12મી વરસી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમનું બલિદાન સમય અને ઈતિહાસની સ્મૃતિમાંથી ક્યારેય ભૂંસાશે નહીં અને અમે આપણા લડાકુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમ મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું હતું.દક્ષિણ મુંબઈમાં પોલીસ વડામથક ખાતે નવરચિત સ્મારક ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સ્મારક અગાઉ મરીન ડ્રાઈવ પર પોલીસ જિમખાના ખાતે હતું, પરંતુ કોસ્ટલ રોડના નિર્માણ વચ્ચે આવતું હોવાથી તેને ત્યાંથી ખસેડીને ક્રાફર્ડ માર્કેટ ખાતે પોલીસ વડામથકે નવેસરથી નિર્માણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19ને લીધે ગણતરીના લોકોએ આ સમયે હાજરી આપી હતી, જેમાં શહીદ થયેલા પોલીસોના અમુક પારિવારિક સભ્યોનો પણ સમાવેશ થતો હતો. અન્યોનું જીવન બચાવવા માટે પોતાનો જીવ આપનારને સલામ, એમ મહારાષ્ટ્ર પોલીસે ટ્વિટ કર્યું હતું. રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારે પણ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.26 નવેમ્બર, 2008ની રાત્રે લશ્કરે-તોઈબાના 10 આતંકવાદીઓ પાકિસ્તાનથી સમુદ્રિ માર્ગ મુંબઈમાં દાખલ થયા હતા. મુંબઈને 60 કલાક સુધી બાનમાં લીધું હતું. ઝપાઝપીમાં 18 સલામતી જવાનો સહિત 166 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો,

જ્યારે સેંકડો અન્ય ઘાયલ થયા હતા. આ હુમલામાં તત્કાલીન એટીએસ પ્રમુખ હેમંત કરકરે, લશ્કરના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે, સિનિયર પીઆઈ વિજય સાળસકર, એએસઆઈ તુકારામ ઓંબળે શહીદ થયા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ધ ઓબેરોય ટ્રાઈડન્ટ, તાજ મહલ હોટેલ, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને યહૂદીઓનો સમુદાય કેન્દ્ર નરીમાન હાઉસ (હવે તેને નરીમાન લાઈટ હાઉસ નામ અપાયું છે)ને આતંકવાદીઓને લક્ષ્ય બનાવ્યાં હતાં.

મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાનાં 12 વર્ષ પછી પણ મુંબઈગરાને આ ઘટનાની યાદ હજુ પણ કંપકંપાવી દે છે. 26 નવેમ્બર, 2008ના આંતકી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પોલીસ જવાનો અને નાગરિકોની ગુરુવારે 12મી વર્ષગાંઠ સરકારી સ્તરે ઊજવાઇ, રાજકીય ભાષણો કરાયાં પરંતુ મુંબઈના 26/11ના આતંકી હુમલામાં જીવિત પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી મહંમદ અજમલ કસાબને દોષી ઠરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારમાંથી એક સાક્ષીદાર યુવતી દેવિકા રોટાવાનને હજુ પણ સરકાર તરફથી આપવામાં આવેલાં વચનો પૂરાં કરાયાં નથી.

આ ઘટનાનાં 12 વર્ષ પછી પણ ઘાયલોને અપાયેલી વચનપૂર્તિની રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.જે વિરાંગનાએ કસાબને દોષી ઠરાવવામાં કોર્ટમાં મુખ્ય ભૂમિકા ભજવી એ જ યુવતીએ મહારાષ્ટ્ર સરકારે આપેલાં વચનો નહીં પાળવા માટે મુંબઈ હાઇ કોર્ટનું શરણું લીધું છે. આ મામલે એડવોકેટ ઉત્સવ બેન્સ દ્વારા હાઇ કોર્ટમાં અરજી કરીને ન્યાય મળે તે માટે લડત શરૂ કરી છે અને તેનો ચુકાદો પણ તાજેતરમાં આવ્યો હતો. આ અંગે રાજ્ય સરકાર તરફથી અપાયેલાં વચનો પૂરાં નહીં કરવા અંગે દેવિકા રોટાવાને “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, કોર્ટના અમુક નિર્દેશો પછી પણ મને હજુ કોઈ સરકાર તરફથી મદદ માટે વચનપૂર્તિ કરવા કોઈ આગળ આવ્યું નથી. જે મદદ મળી હતી તે મારી ગંભીર ઇજાની સારવારમાં ખર્ચાઇ ચૂકી છે.

26/11ના મુંબઈ પરના આતંકવાદી હુમલાની 12મી વરસી પર આતંકવાદી અજમલ કસાબની ધરપકડ કઈ રીતે કરાઈ હતી તે કિસ્સો ઓપરેશનમાં સહભાગી થયેલા પીઆઈ ભાસ્કર કદમે યાદ કર્યો હતો. કદમ તે સમયે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો.કસાબની ધરપકડ બહુ મહત્ત્વપૂર્ણ બની રહી હતી. હુમલાની વ્યાપ્તિ, ઉપયોગ કરેલાં શસ્ત્રો અને સંકળાયેલા લોકો અંગેની માહિતી કસાબની પૂછપરછમાં બહાર આવી હતી

આ મહત્ત્વપૂર્ણ માહિતીને આધારે પછી સલામતી એજન્સીઓ અને મુંબઈ પોલીસ તથા નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં અન્ય આતંકવાદીઓને ઠાર કરવામાં મદદ થઈ હતી. અન્યથા કેટલા નિર્દોષ લોકો માર્યા ગયા હોત તે કહી શકાય એમ નથી. તે ઘટનાક્રમ આજે પણ યાદ છે, એમ કદમે જણાવ્યું હતું. કસાબ અને અન્ય એક આતંકવાદી પ્રવાસ કરતા હતા તે કારને ગિરગામ ચોપાટી ખાતે નાકાબંધીમાં આંતરનારી 16 જણની ટીમમાં કદમ પણ એક હતો. આતંકવાદીઓએ હાઈજેક કરેલી કાર ચેકપોઈન્ટથી 50 ફીટ પર ઊભી રહી હતી અને ગોળીબારી શરૂ થઈ હતી. મેં મારી સર્વિસ પિસ્તોલ કાઢીને ત્રણ ગોળી છોડી હતી, જેમાં ડ્રાઈવર સીટમાં બેઠેલો આતંકવાદી ઠાર થયો હતો.

બીજી બાજુથી એએસઆઈ તુકારામ ઓંબળે સહિતની ટીમ ડ્રાઈવરની બાજુમાં બેઠેલા કસાબને પકડવા માટે ગઈ હતી. કસાબને ઓંબળેએ પકડી લીધી, જે સમયે તેણે એકે-47 રાઈફલમાંથી ગોળી છોડતાં ઓંબળે ઘાયલ થયો હતો. દરમિયાન અન્ય ટીમ પણ પહોંચી હતી અને કસાબને લાઠીઓના જોરે ઝડપી લીધો હતો. પીઆઈ સંજય ગોવિલકરે કસાબને જીવિત પકડવાનો નિર્ણય લીધો હતો, એમ પણ કદમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...