આદેશ:પરવાનગી વિના ખાનગી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્તોને દાખલ કરવાની મનાઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલોને 80 ટકા બેડની ઉપલબ્ધતા રાખવા જણાવવામાં આવ્યું

કોરોનાની બીજી લહેર પ્રમાણે અત્યારે પણ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ભરતી થવા માટે કોવિડ દર્દીઓએ મુંબઈ મહાપાલિકાની પરવાનગી લેવાની રહેશે. આવી સૂચના મુંબઈ મહાપાલિકાએ ખાનગી હોસ્પિટલોને આપી છે. કોરોનાની ત્રીજી લહેર આવી હોવાથી બેડની અછત ન વર્તાય એ માટે મુંબઈ મહાપાલિકાએ પગલાં ભરવાની શરૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલોને 80 ટકા બેડની ઉપલબ્ધતા રાખવા જણાવવામાં આવ્યું છે. તેમ જ સરકારે નિર્દેશિત કરેલા દર લેવા ખાનગી હોસ્પિટલો માટે ફરજિયાત છે.

મુંબઈમાં કોરોનાનું જોખમ વધ્યું હોવાથી મહાપાલિકા પ્રશાસન સજ્જ થયું છે. દર્દીઓને સમયસર સારવાર મળે એ માટે બીજી લહેરની જેમ જ મહાપાલિકાની પરવાનગી વિના ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવા નહીં એવી સૂચના પ્રશાસને હોસ્પિટલોને આપી છે. એના માટે મહાપાલિકાએ તાજેતરમાં ખાનગી હોસ્પિટલો માટે નિયમાવલી જાહેર કરી છે. એ સાથે જ બેડની સંખ્યા વધારવા સાથે જ દર્દીઓ માટે આઈસીયુ તૈયાર રાખો એવી સૂચના પણ મહાપાલિકાએ ખાનગી હોસ્પિટલોને આપી છે.

મુંબઈ માટે આગામી અઠવાડિયુ વધુ ધ્યાન રાખવાનું છે. ત્રણચાર દિવસમાં કઠોર પ્રતિબંધો મૂકવાનો નિર્ણય લેવાય એવી શક્યતા છે. મુંબઈમાં ત્રીજી લહેર આવી છે ત્યારે દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો વધારો નોંધાય છે. તેથી દરરોજ વધતા દર્દીઓ ચિંતાની વાત બની છે.

નિયમભંગ કર્યો તો કઠોર કાર્યવાહી
તમામ ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સે 10 જાન્યુઆરી પહેલાં તેમની બેડની મહત્તમ ક્ષમતા સજ્જ રાખવી તથા મુંબઈ મહાપાલિકાના બેડ મેનેજમેંટ ડેશબોર્ડને આ બાબતે અપડેટ કરવું. તમામ વોર્ડના સહઆયુક્તોએ 11 જાન્યુઆરી પછી અચાનક મુલાકાત લેવી અને બેડની ક્ષમતા બાબતે ચકાસણી કરવી. વોર્ડ વોર રૂમને જણાવ્યા વિના કોઈ પણ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમે કોરોનાના દર્દીને દાખલ કરવા નહીં. જરૂરિયાતમંદ કોરોના દર્દીને બેડ ઉપલબ્ધ થવો જરૂરી છે. લક્ષણો વિનાના કોરોના દર્દી જો કોરોના હોસ્પિટલમાં દાખલ હોય તો આગામી ત્રણ દિવસમાં બેડ ખાલી કરવો. ખાનગી હોસ્પિટલોએ કોવિડ બેડના 80 ટકા અને આઈસીયુના 100 ટકા બેડ અનામત રાખવા અને એ ફક્ત કોવિડ-19 દર્દીઓને જ ઉપલબ્ધ કરવા. આ અનામત બેડ પર કોઈ પણ દર્દીને સીધા દાખલ કરવા નહીં. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા દર હોસ્પિટલોએ દર્દી પાસેથી લેવાના રહેશે. હોસ્પિટલના બિલ ઓડિટ કરવામાં આવશે. ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, દવાઓ વગેરે જેવી કોરોના માટેની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ અને એનો સતત પુરવઠો થતો રહે એ વાતનું ધ્યાન રાખવું. તમામ હોસ્પિટલોએ દવાઓ સહિત માસ્ક, પીપીઈ કિટ, વીટીએમ કિટ્સ વગેરેનો પૂરતો સ્ટોક હોય એની તકેદારી રાખવી. ઉપરોક્ત તમામ નિયમો પાળવામાં નહીં આવે તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...