દુખદ:નિર્માતા અને અભિનેત્રી મંજુ સિંઘનું હાર્ટએટેકથી નિધન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હ્રષિકેષ મુખરજીની ગોલમાલમાં રત્નાનું પાત્ર ભજવીને જાણીતા થયા હતા

ટીવી નિર્માતા અને અભિનેત્રી મંજુ સિંઘનું હ્રદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. દિગ્દર્શક હ્રષિકેષ મુખરજીની ફિલ્મ ગોલમાલમાં અમોલ પાલેકરની બહેન રત્નાનું પાત્ર ભજવીને તેઓ ઘેરઘેર જાણીતા થયા હતા. તેમના કુટુંબમાં બે પુત્રી અને એક પુત્ર છે. 1979માં રીલિઝ થયેલી ગોલમાલમાં અમોલ પાલેકર એટલે કે રામપ્રસાદ દશરથપ્રસાદ શર્માની બહેન રત્ના શર્માનું પાત્ર મંજુ સિંઘે ભજવ્યું હતું. એ પછી તેમણે હિંદી ફિલ્મોમાં સહાયક અભિનેત્રીની ભૂમિકાઓ કરી હતી.

એમાં હંકી પંકી (1979), લેડીઝ ટેલર (1981), સ્ક્રીન ટૂ (1985) ફિલ્મમાં ભજવેલી ભૂમિકાઓ ગાજી હતી. એ પછી તેમણે ઘણાં વર્ષ સુધી ટીવી સીરિયલોનું નિર્માણ કર્યું હતું. મંજુ સિંઘ હિંદી ફિલ્મજગતમાં પ્રેમથી મંજુ દીદી તરીકે સંબોધવામાં આવતા હતા.મંજુ સિંઘે ટીવી માટે ઉતમ સીરિયલોનું નિર્માણ કર્યું હતું. એંસીના દાયકામાં તેમણે સ્વરાજ, એક કહાની, શો ટાઈમ જેવી લોકપ્રિય સીરિયલોનું નિર્માણ કર્યું. એ જ પ્રમાણે સાત વર્ષ સુધી તેમણે બાળકો માટેના હિંદી કાર્યક્રમ ખેલ ખિલૌનેનું સંચાલન કર્યું હતું. મંજુ સિંઘે તેમની સીરિયલો થકી સામાજિક અને સાંસ્કૃતિક વિષય પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે શો ટાઈમ સીરિયલ દ્વારા ટીવી નિર્માતા તરીકે કારકિર્દીનું શરૂઆત કરી હતી. તેમનો એક કહાની કાર્યક્રમ પ્રાદેશિક ભાષામાં સાહિત્યની લઘુ કથાઓ પર આધારિત હતો. તેમ જ અધિકાર સીરિયલ મહિલાઓના કાયદાકીય હક પર આધારિત હતી. તેમણે સમ્યકત્વ ટ્ર્યુ ઈનસાઈટ નામનો અધ્યાત્મ પરનો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. 2015માં તેમને કલા અને શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન માટે કેન્દ્ર સરકારે કેન્દ્રિય શિક્ષણ સલાહકાર મંડળ (સીએબીઈ)માં સભ્ય તરીકે નોમિનેટ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...