નિર્ણય:પેરોલ પર છોડેલા કેદીઓને જેલ પાછા ફરવાનો આદેશ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે અઠવાડિયામાં આ કેદીઓએ પાછા ફરવાનું રહેશે

કોવિડ-19ની મહામારી ઝડપથી ફેલાતી હતી ત્યારે અનેક કેદીઓને જેલ પ્રશાસને પેરોલ અને ફર્લો પર છોડવાનો નિર્ણય લીધો હતો. હવે એ બધા કેદીઓએ જેલ પાછા ફરવું પડશે. આ સમયમાં લગભગ 400થી વધારે કેદીઓને પેરોલ અને ફર્લો પર છોડવામાં આવ્યા હતા. જેલ પ્રશાસને પેરોલ અને ફર્લો પર છોડેલા 400થી વધારે કેદીઓને પંદર દિવસની અંદર જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ બાબતનો આદેશ મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે જાહેર કર્યો છે.

કોરોનાનો વધતો ફેલાવો રોકવા માટે સરકાર તરફથી કોવિડ-19 બાબતની નિયમાવલી જાહેર કરવામાં આવી હતી. આ નિયમાવલીના માર્ગદર્શક ધોરણ અનુસાર મહારાષ્ટ્ર સરકારે પેરોલ અને ફર્લો અંતર્ગત કેદીઓના છૂટકારા માટે એક સમિતિની સ્થાપના કરી હતી. આ સમિતિની સૂચના અનુસાર લગભગ 400 કરતા વધુ કેદીઓને પેરોલ અને ફર્લો પર છોડવામાં આવ્યા હતા. આ કેદીઓના પ્રથમ જૂથને 8 મે 2020ના છોડવામાં આવ્યા હતા.

એ પછીના જૂથના કેદીઓને એ જ વર્ષે 11 નવેમ્બરના છોડવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફક્ત 45 દિવસ માટે આ કેદીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ પછી દિવસમાં વધારો કરીને 90 દિવસ કરવામાં આવ્યા હતા. મે 2021માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ સમયગાળામાં હજી વધારો કરવામાં આવ્યો હતો. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર એ સમયે જેલમાં ગિરદી ટાળવા માટે અને મહામારીનો ફેલાવો રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...