ચૂંટણી:મુંબઈ સહિત 14 મહાપાલિકા, જિલ્લા પરિષદ ચૂંટણીની તૈયારી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચે પક્ષો સાથે પૂર્વતૈયારી બાબતે ચર્ચા કરી

મુંબઈ સહિત 14 મહાપાલિકા, નગરપાલિકા, 25 જિલ્લા પરિષદ અને 284 પંચાયત સમિતિઓની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ આયુક્ત યુ.પી.એસ.મદાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીની પૂર્વતૈયારી બાબતે ચર્ચા કરી હતી. લગભગ એપ્રિલ અને મે મહિનામાં જુદા જુદા તબક્કામાં ચૂંટણી થાય એવી શક્યતા છે.

રાજ્ય ચૂંટણી પંચના કાર્યાલયમાં આયુક્ત મદાનની અધ્યક્ષતા હેઠળ થયેલી બેઠકમાં ભારતીય જનતા પક્ષ, ઈંદિરા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પક્ષ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષ, બહુજન સમાજ પક્ષ, શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રતિનિધિ હાજર હતા. એ સાથે જ રાજ્ય ચૂંટણી પંચના સચિવ કિરણ કુરુંદકર અને ઉપાયુક્ત અવિનાશ સણસ હાજર હતા.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણી પ્રક્રિયા વધુમાં વધુ સરળ કરવા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે વિવિધ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરી આપવાનો રાજ્ય ચૂંટણી પંચનો પ્રયત્ન છે. રાજકીય પક્ષ નોંધણીથી લઈને તેમના વિવિધ અહેવાલ રજૂ કરવા સુધીની તમામ સુવિધા ટૂંક સમયમાં ઓનલાઇન પદ્ધતિથી ઉપલબ્ધ કરી આપવામાં આવશે.

અદ્યતન માહિતી માટે પંચની વેબસાઈટ સાથે ઉમેદવાર માટે નોમિનેશન ફોર્મ રજૂ કરવા કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમની સુવિધા હશે. એ સાથે જ ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ રજૂ કરવા, મતદારોને ઉમેદવાર બાબતે માહિતી મળે એ માટે, મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા ટ્ર્યુ વોટર મોબાઈલ એપની સુવિધા હશે એવી માહિતી મદાને રાજકીય પક્ષોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...