મોટા પ્રમાણમાં પદ ખાલી:મુંબઈમાં ત્રાસવાદી હુમલાની શક્યતા અને ATSમાં 100થી વધુ ખાલી પદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટીએસ પાસે ACP દરજ્જાનો એક પણ અધિકારી નથી

એક તરફ મુંબઈ પર ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર રચાતું હોવાના સમાચાર છે તો બીજી તરફ આ ત્રાસવાદી કાર્યવાહીને રોકનાર એટીએસમાં 100થી વધારે પદ ખાલી હોવાની તથા એટીએસ પાસે એસીપી દરજ્જાનો એક પણ અધિકારી ન હોવાની આંચકાજનક બાબત પ્રકાશમાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે 6 ત્રાસવાદીઓની ધરપકડ કર્યા પછી મુંબઈ પરનો ત્રાસવાદી હુમલો હાલ પૂરતો તો ટળ્યો છે છતાં એટીએસ જેવા સૌથી મહત્ત્વના દળમાં મોટા પ્રમાણમાં પદ ખાલી હોવાથી ચિંતામાં ઉમેરો થયો છે.

અત્યારે એટીએસમાં મોટા પ્રમાણમાં મનુષ્યબળની અછત છે. તેથી જે અધિકારીઓ અને કર્મચારીઓ મુંબઈમાં અન્યત્ર પોસ્ટિંગ પર છે તેમના પર જ આ વધારાનો ભાર નાખવામાં આવ્યો છે. મુંબઈ એટીએસનું કાર્યાલય કાલાચોકી, નાગપાડા, જુહુ, કુરાર અને વિક્રોલી ખાતે છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને એ હંમેશા ત્રાસવાદીઓના હીટલિસ્ટમાં રહે છે. મુંબઈના એટીએસમાં અત્યારે 100થી વધુ પદ ખાલી છે. એમાં લગભગ 50 પદ અધિકારી દરજ્જાના છે અને 50 થી વધુ પદ કોન્સ્ટેબલ દરજ્જાના છે.

સૌથી મહત્ત્વનું એટલે મુંબઈ એટીએસ દળમાં કુલ 5 એસીપી દરજ્જાના પદ છે અને એમાંથી એક પણ પદ પર હજી સુધી કોઈની નિયુક્તી થઈ નથી. એટીએસમાં મોટા ભાગના ગુનાઓ યુએપીએ કાયદા અતંર્ગત નોંધાય છે. આ કાયદા અંતર્ગત નોંધાયેલ ગુનાઓની તપાસ એસીપી દરજ્જાના અધિકારી પાસે હોય છે. મહારાષ્ટ્રમાં તમામ સુરક્ષા યંત્રણા હાઈ એલર્ટ પર : મુંબઈ અને ભારતના અનેક શહેર બોમ્બધડાકાઓથી હચમચાવી નાખવાનું ષડયંત્ર દિલ્હીની કેન્દ્રિય સુરક્ષા યંત્રણાએ ઉથલાવી પાડ્યું હતું.

આ જૂથનો એક મુખ્ય સૂત્રધાર જાન મોહમ્મદ મુંબઈમાં રહેતો હતો. જાન અને એનો એક સાથીદાર ટ્રેનમાં ઉતાવળમાં દિલ્હી જતા હતા. જોકે તપાસ યંત્રણાએ જાનને ટ્રેનમાં જ પકડી લીધો પણ એના સાથીદારને પકડી શકાયો નહીં. તેથી મહારાષ્ટ્રમાં તમામ સુરક્ષા યંત્રણા હાઈ એલર્ટ પર રહીને અત્યારે કામ કરે છે. આ ત્રાસવાદીઓએ મુંબઈ લોકલની પણ રેકી કરી હોવાની આઘાતજનક માહિતી પ્રકાશમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...