કાર્યવાહી:પોલીસ શ્વાન જેલમાં કેદીઓના છુપા કરતુતોનો પર્દાફાશ કરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધિત વસ્તુ કે નશીલા પદાર્થો હશે તો તરત જ તેની માહિતી મળશે

રાજ્યની જેલ હવે વધુ સુરક્ષિત થશે. ચાલાકીથી પ્રતિબંધિત વસ્તુ કે નશીલા પદાર્થ કેદીઓ અંદર લઈ જશે તો એનું હવે ટેન્શન નહીં રહે કારણ કે પોલીસના શ્વાન જેલમાં તપાસ કરીને એનો ભાંડો ફોડશે. જેલમાં ઘણી વખત ડ્રગ્ઝ, મોબાઈલ કે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળવાની ઘટના બને છે. ઘણી ચાલાકીથી સુરક્ષારક્ષકોની નજરથી બચાવીને નશીલા પદાર્થ કે વાંધાજનક વસ્તુઓ જેલમાં લઈ જવામાં આવે છે.

જેલ વિભાગના અપર પોલીસ મહાસંચાલક અતુલચંદ્ર કુલકર્ણીએ ગંભીર નોંધ લીધી હતી. આમ ન થાય અને જેલમાં અંદર પ્રતિબંધિત વસ્તુઓ કે નશીલા પદાર્થ સમયસર પકડાઈ જાય અને ચાલાકી કરનારના મનસૂબા ધુળમાં મળી જાય એ માટે પોલીસની ડોગ સ્કવોડની મદદ લેવાનો આદેશ કુલકર્ણીએ જેલ અધિક્ષકને આપ્યો છે.

એ અનુસાર આર્થર રોડ જેલના અધિક્ષક નીતિન વાયચલે મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવી એમ વિનંતી કરી છે. થાણે, રત્નાગિરી વગેરે જેલમાં ત્યાંના ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાકીની જેલમાં પણ શ્વાન દ્વારા તપાસ કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે. ચાલાકીથી નશીલા પદાર્થ કે વાંધાજનક વસ્તુ જેલમાં લાવવામાં આવી હશે તો એ સમયસર પકડાઈ જાય એ માટે શ્વાનની મદદ લેવામાં આવશે.

ગુનો દાખલ કરીને તપાસ કરાશે
શ્વાનની તપાસમાં કેદી પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ અથવા ડ્રગ્ઝ મળશે તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવશે. એ પછી સંબંધિત પોલીસની તપાસ કરવામાં આવશે. તપાસમાં કંઈ તથ્ય જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ જેલ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું. જેલમાં કોઈ પણ વાંધાજનક વસ્તુ અથવા ડ્રગ્ઝ ન જાય એ માટે જેલ સુરક્ષારક્ષકો તરફથી જરૂરી તમામ તકેદારી રાખવામાં આવે છે. પણ કયારેક વસ્તુઓ છુપાવીને અંદર લઈ જવામાં આવે છે. આ વસ્તુઓ ઘણી વખત મળતી નથી. તેથી એ શોધવાનું કામ શ્વાન દ્વારા કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...