પુણે પોલીસ રાજકીય નેતાઓના ફોન અનધિકૃત રીતે ટેપિંગ રવાના કેસમાં તપાસના ભાગરૂપ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનું નિવેદન શનિવારે નોંધ્યું હતું. પટોલેના નિવાસસ્થાને શનિવારે નિવેદન નોંધવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન નાના પટોલેના ગેરકાયદેસર ફોન ટેપિંગના સંબંધમાં પુણે પોલીસે આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લા વિરુદ્ધ બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પટોલેએ આરોપ મૂક્યો હતો કે તેમનો ફોન 2016-2017 દરમિયાન નાર્કોટિક્સ સ્મગલિંગમાં સામેલ અમજદ ખાનને નામે ટેપ કરવામાં આવ્યો હતો. પટોલેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના અંગત સહાયક, તત્કાલીન ભાજપના સાંસદ સંજય કાકડે અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ટેપ કરવામાં આવ્યા હતા.
હું 2016-17માં સંસદસભ્ય હતો અને મારો ફોન ટેપ કરવાનું કોઈ કારણ નહોતું. આ રાજકીય કારકિર્દીને નષ્ટ કરવાનો પ્રયાસ છે, તેમણે કહ્યું હતું. રશ્મિ શુક્લા હાલમાં હૈદરાબાદમાં સીઆરપીએફ (દક્ષિણ ઝોન)ના એડિશનલ ડીજી તરીકે સેવા આપી રહ્યાં છે. શુક્લા મહારાષ્ટ્રમાં ઈન્ટેલિજન્સ વિભાગ (એસઆઈડી)નાં પ્રમુખ હતાં ત્યારે ગેરકાયદેસર ફોન ટેપિંગના આરોપો પણ છે.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પોલીસ અધિકારીઓની બદલીમાં કથિત ભ્રષ્ટાચાર અંગે તત્કાલીન ડીજીપીને શુક્લા દ્વારા કથિત રીતે લખેલા પત્રને ટાંક્યો હતો.પત્રમાં કોલ્સની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં શિવસેનાની આગેવાની હેઠળના શાસક ગઠબંધનનો આરોપ હતો કે શુક્લાએ પરવાનગી વિના ફોન ટેપ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.