ચેઈન પુલિંગ સમસ્યા:મુંબઈમાં પ્લેટફોર્મ ટિકિટના હવે 50 રૂપિયા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CSMT, દાદર, LTT, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશનમાં દર લાગુ

મધ્ય રેલવેએ મુંબઈમાં કેટલાક સ્ટેશનમાં રેલવે પ્લેટફોર્મના ટિકિટના દરમાં વધારો કર્યો છે. હવે પ્લેટફોર્મ ટિકિટના દર 10 રૂપિયાના બદલે વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યા છે. સોમવાર 9 મેથી આ નવા દર લાગુ થઈ ગયા છે. મુંબઈમાં લાંબા અંતરની ટ્રેન માટેના મુખ્ય સ્ટેશન એવા સીએસએમટી, દાદર, એલટીટી, થાણે, કલ્યાણ અને પનવેલમાં સુધારેલા દર આગામી પંદર દિવસ માટે એટલે કે 23 મે 2022 લાગુ રહેશે.

પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવા પાછળ એક ખાસ કારણ છે. એપ્રિલ મહિનામાં મુંબઈના વિવિધ રેલવે સ્ટેશન પરિસરમાં એલાર્મ ચેન પુલિંગની 332 ઘટનાઓ બની. એમાં ઘણાં જણે કોઈ પણ જાતના કારણ વિના રેલવેની આપ્તકાલીન સાંકળી ખેંચી હતી. આવા કૃત્યના કારણે એપ્રિલ મહિનામાં અનેક મેલ અને એક્સપ્રેસ ટ્રેન મોડી પડી અને પ્રવાસીઓએ નાહકની હેરાનગતિ ભોગવવી પડી.

આ બાબત ધ્યાનમાં લેતા એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ રોકવા માટે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એલાર્મ ચેન પુલિંગની 332 ઘટનાઓ બની જેમાંથી 52 ઘટનાઓમાં ખરેખર આપ્તકાલીન કારણ હતું જ્યારે 279 ઘટનાઓમાં કોઈ પણ કારણ વિના ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું.

ચેન પુલિંગની આ ઘટનાઓના કારણે પોલીસે સંબંધિત લોકો પર ગુનો દાખલ કર્યો છે. ભારતીય રેલવે કાયદા અંતર્ગત તેમના પર કાર્યવાહી ચાલુ છે. કેટલાક અજ્ઞાત શખસ વિરુદ્ધ ગુના દાખલ કરવા પડ્યા. અત્યાર સુધી આ ગંભીર ભૂલ કરનારાઓ પાસેથી 94 હજાર રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાના કારણે સ્ટેશનમાં નાહક કામ વિના આવતા લોકોની સંખ્યા ઓછી થશે એવો રેલવેને વિશ્વાસ છે. એના લીધી સીએસએમટી, દાદર, થાણે, એલટીટી, કલ્યાણ અને પનવેલ જેવા સ્ટેશનમાં હવે પ્લેટફોર્મ માટે 10 રૂપિયાના બદલે 50 રૂપિયા ચુકવવા પડશે. જો કે આ દર વધારો પંદર દિવસ માટે જ છે એમ અત્યારે જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...