મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ અને તેમના પરિવારના સભ્યોને દિલ્હીમાં નવા મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કરવાના વિશેષ અદાલતના આદેશને સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.
અંજલિ દમણિયાએ હાઈ કોર્ટને વિનંતી કરી છે કે તે આ કેસમાં ભુજબળ અને અન્યોને ડિસ્ચાર્જ કરવાના વિશેષ અદાલતના આદેશને રદ કરે અને અદાલતને ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવે. વિશેષ અદાલતે સપ્ટેમ્બર 2021માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને તેમના પુત્ર પંકજ અને ભત્રીજા સમીર સહિત અન્ય સાતને રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો સાથે સંબંધિત કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
સ્પેશિયલ કોર્ટે કહ્યું હતું કે, એવા કોઈ નક્કર પુરાવા નથી કે જે દર્શાવે છે કે આરોપીઓએ ઈમારતના બાંધકામ માટે નિયુક્ત ડેવલપર પાસેથી ગેરકાયદેસર લાંચ લીધી હતી. ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી હાઈ કોર્ટમાં સુધારેલી અરજી દમણિયાએ ગુરુવારે દાખલ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે કાર્યવાહી કરનારી તપાસકારી સંસ્થા એસીબીએ હજુ સુધી ડિસ્ચાર્જ ઓર્ડરને પડકાર્યો નથી.
દમણિયાએ તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે, કે ભુજબળ અને અન્ય આરોપીઓએ સરકારી તિજોરીને ખોટી રીતે નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. તેમણે પોતાની અરજીમાં કહ્યું છે, કે તેઓ 2014માં હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરનારાઓમાં સામેલ હતાં. તેમણે અરજીમાં કહ્યું છે કે હાઈ કોર્ટે 2015માં રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને ભુજબળ અને અન્યો સામે તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.