તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજથી મુંબઈમાં બસમાં સંપૂર્ણ બેઠક ક્ષમતા અનુસાર પ્રવાસની પરવાનગી

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેસ્ટ ઉપક્રમ દ્વારા વધારાની બસો ચલાવવામાં આવશે, પરંતુ સ્ટેન્ડિંગની મનાઈ, મોઢા પર માસ્ક પહેરવાનું આવશ્યક રહેશે

કોરોનાની પરિસ્થિતિની બાબતમાં ત્રીજા સ્તરે મૂકવામાં આવેલા મુંબઈમાં સોમવારથી ઘણી બધી છૂટછાટો મળશે. આના ભાગરૂપે બેસ્ટની બસોમાં સંપૂર્ણ બેઠક ક્ષમતા અનુસાર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ માટે બસ સેવા વધારવામાં આવશે. જોકે બસમાં ઊભા રહીને પ્રવાસની મનાઈ કરવામાં આવી છે. ઉપરાંત પ્રવાસ સમયે મોઢા પર માસ્ક પહેરવાનું આવશ્યક રહેશે.

લોકલ ટ્રેનોમાં જોકે સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવાની મનાઈ ચાલુ રહેશે. ફક્ત તબીબી અને જીવનજરૂરી સેવાઓ આપનારા જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. રેસ્ટોરાં, સેલોં, સ્પા, વેલનેસ સેન્ટરો 50ટકા ક્ષમતા સાથે ખુલ્લાં રાખી શકાશે. સેલોં, સ્પા અને જિમમાં એર કંડિશન ચાલુ નહીં રાખી શકાશે. એસેન્શિયલ ચીજવસ્તુઓ વેચનારી દુકાનો બધા દિવસ સાંજે 4 સુધી ચાલુ રાખી શકાશે. નોન- એસેન્શિયલ માટે સોમવારથી શુક્રવાર સાંજે 4 વાગ્યા સુધી અને શનિ- રવિવારે બંધ રાખવાની રહેશે.

મોલ થિયેટરો (મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન) બંધ રહેશે. રેસ્ટોરાં શનિ- રવિ સિવાયના દિવસોમાં સાંજે 4 સુધી 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, જે પછી ફક્ત પાર્સલ સેવા અને હોમ ડિલિવરીને મંજૂરી રહેશે. જાહેર સ્થળો, ખુલ્લાં મેદાનો વોકિંગ, જોગિંગ અને સાઈકલિંગ માટે રોજ સવારે 5થી 9 સુધી ખુલ્લાં રહેશે. ખાનગી ઓફિસોને સાંજે 4.00 સુધી કામ કરવાની પરવાગી છે, જ્યાં ખાનગી અને સરકારી ઓફિસોમાં હાજરી 50 ટકા રાખવાની રહેશે.

લગ્નમાં 50, અંતિમવિધિમાં 20 જણ
લગ્નમાં 50 લોકો હાજરી આપી શકશે, જ્યારે અંતિમવિધિમાં 20 જણ હાજરી આપી શકશે. બાંધકામ સ્થળે સાઈટ પરના શ્રમિકોએ સાંજે 4 સુધી નીકળી જવાનું રહેશે. રમતગમત પ્રવૃત્તિઓ સવારે 5થી 9 અને સાંજે 6થી રાત્રે 9 વચ્ચે મંજૂર છે. જોકે ફક્ત આઉટડોર પ્રવૃત્તિને મંજૂરી રહેશે. શૂટિંગ પ્રવૃત્તિઓ માટે તે બબલમાં લઈ શકાશે. જોકે સાંજે 5 પછી તેમાં અવરજવરની મનાઈ રહેશે. સામાજિક, સાંસ્કૃતિક અને મનોરંજન સંબંધી મેળાવડાઓ 50 ટકા ક્ષમતા સાથે અને શનિ- રવિ સિવાય સાંજે 4 સુધી યોજી શકાશે. મિટિંગ, ચૂંટણી, સ્થાનિક અને સહકારી સંસ્થાઓના મેળાવડા 50 ટકા હાજરી સાથે હાથ ધરી શકાશે.

આંતરજિલ્લા પ્રવાસની છૂટ
કૃષિ પ્રવૃત્તિઓ રોજ સાંજે 4 સુધી યોજી શકાશે. ઈ-કોમર્સ અને સેવાઓ નિયમિત ક્ષમતામાં હાથ ધરી શકાશે. આંતરજિલ્લા પ્રવાસ નિયમિત ક્ષમતામાં કરી શકાશે. જોકે લેવલ 5 જિલ્લામાંથી પસાર થવાનું હોય કે ત્યાં સ્ટોપેજ હોય તો ઈ-પાસ જરૂરી રહેશે. એમએસએમઈ સહિત નિકાસલક્ષી એકમોની ઉત્પાદન પ્રવૃત્તિઓ નિયમિત ક્ષમતામાં હાથ ધરી શકાશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન એકમો 50 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...