મુંબઈ મેટ્રો-3નું કામ 80 ટકા પૂરું થયું છે. ફક્ત 20 ટકા કામ બાકી છે. જોકે અમુક લોકોના અહમને લીધે મેટ્રો કારશેડનું કામ અટક્યું છે. આથી આગામી ચાર વર્ષમાં પણ બાકી 20 ટકા કામ પૂર્ણ થશે નહીં અને મુંબઈગરાને અત્યંત મહત્ત્વની મેટ્રો-3 સેવા મળશે નહીં. મહાવિકાસ આઘાડી સરકાર નવો વિકાસ કરતી નથી, પરંતુ અગાઉ વિકાસ પૂર્ણ થવાને માર્ગે છે તેમાં પણ અવરોધ પેદા કરી રહી છે. આનો યોગ્ય સમય, યોગ્ય ન્યાય જનતા જ કરશે, એમ માજી મુખ્ય મંત્રી અને વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
વર્સોવા વિધાનસભા ક્ષેત્રનાં વિધાનસભ્ય ડો. ભારતી લવ્હેકર થકી વર્સોવા, જોગેશ્વરી પશ્ચિમમાં સિટી ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક મ્હાડા મેદાનમાં વર્સોવા મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. 22 મે સુધી ચલશે, જેના ઉદઘાટન સમયે ફડણવીસ બોલતા હતા.વર્સોવા મતવિસ્તાર નરરત્નોની ખાણ છે અને આવાં નરરત્નો દર વર્ષે ડો. ભારતીને ચૂંટી લાવે છે. આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવા ડો. ભારતી ખૂબ જહેમત ઉઠાવે છે. આથી જ જનતા તેમને વારંવાર ચૂંટી લાવે છે.
વર્સોવાનો વેસાવે વિભાગ કોળી સંસ્કૃતિથી સમૃદ્ધ છે. આ વૈભવનું જતન કરવાની જરૂર છે. આથી મુંબઈમાં ગમે તેટલી મોટી ઈમારતો બને તો પણ આ કોળીવાડીઓનું ડિમાર્કેશન અબાધિત રહેવું જોઈએ અને તેને સંરક્ષિત કરવાનું કામ ડો. ભારતીનું છે, એમ તેમણે જણાવ્યું હતું.વિધાનસભ્ય આશિષ શેલારે જણાવ્યું કે મુંબઈમાં મેટ્રો શરૂ કરવામાં ફડણવીસનો હાથ છે. 200 કિલોમીટરની મેટ્રોનું નેટવર્ક તૈયાર કરવામાં તેમનું મોટુ યોગદાન છે. આગામી સમયમાં તેમને મેટ્રોમેન તરીકે પુરસ્કાર મળશે તો નવાઈ નથી.શિવસંગ્રામના અધ્યક્ષ અને વિધાનસભ્ય વિનાયક મેટેએ જણાવ્યું કે ફડણવીસ ખરા અર્થમાં મહારાષ્ટ્રના ડેવલપમેન્ટ મેન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.