તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બદલાપુર ખાતે ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસની તકલીફ

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 કિમી સુધી લોકોને આંખમાં બળતરા થઈ હતી

થાણે જિલ્લાના બદલાપુરમાં કેમિકલ ફેક્ટરી નજીક રહેતા લોકોને ગેસ લીકેજ થયાના કેટલાક કલાકો સુધી શ્વાસની તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી અને એક કલાકની અંદર આ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિંગના પ્રમુખ સંતોષ કદમે જણાવ્યું હતું કે, “બદલાપુર (પૂર્વ)ના શિરગા એમઆઈડીસી ખાતેની ફેક્ટરીમાં રાત્રે 10.22 વાગ્યે ગેસ લીકેજની જાણ થઈ હતી. સલ્ફ્યુરિક એસિડ અને બેન્ઝિલ એસિડની અતિશય ગરમીને કારણે થતી રાસાયણિક પ્રતિક્રિયાને કારણે આ ઘટના બની છે. પરિણામે ફેક્ટરીની આજુબાજુ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ થોડા કલાકો સુધી આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલીની ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલના બે ફાયર ટેન્ડર અને શિરગા એમઆઈડીસીનું એક વાહન ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને લીકેજ બંધ કરાયું હતું. કદમે જણાવ્યું હતું કે, લગભગ 11.30 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આ ઘટનામાં કોઈને નોંધપાત્ર નુકસાન થયું નથી.

ભિવંડીના ગોદામમાં આગ
દરમિયાન થાણે જિલ્લાના ભિવંડીમાં ભીષણ આગમાં કચરાનું એક ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું. સંતોષ કદમે જણાવ્યું હતું કે, અવચીતપાડા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યે આગ ફાટી નીકળી હતી. ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએનસીએમસી)ના બે ફાયર ટેન્કર અને કલ્યાણ- ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી) ના એક ફાયર ટેન્કર સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ઓશિવરાની ઈમારતમાં આગ
દરમિયાન મુંબઇના પશ્ચિમ ઉપનગરીય ઓશિવરામાં એક બહુમાળી રહેવાસી ઈમારતમાં શુક્રવારે સવારે આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. છ માળના આશિયાના ટાવરના એક ભાગમાં સવારે 8 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને તે તેના પહેલા માળે ફેલાઈ ગઈ હતી. આઠ ફાયર ટેન્કરોએ ચાર કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણની તપાસ ચાલી રહી છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓને શંકા છે કે તેનું કારણ શોર્ટસર્કિટ હતું.

અન્ય સમાચારો પણ છે...