તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જિલ્લા બહાર જવા લોકો ગજબનાં કારણો બતાવે છે

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં જવું છે, અંતિમસંસ્કારમાં જવું છે સહિતનાં કારણો નાગરિકોએ આપ્યાં

મુંબઈમાં સોમવારથી લોકડાઉનમાં ઘણી બધી રાહતો આપવામાં આવી છે, પરંતુ આંતરજિલ્લા પ્રવાસ હજુ પણ આસાન નથી. તેને માટે ઈ-પાસ લેવો પડે છે અને પોલીસ ઈ-પાસનાં કારણોની બારીકાઈથી તપાસ કરતી હોવાથી મોટા ભાગની અરજીઓ નકારાઈ જાય છે.

કોરોનાના વધતા સંક્રમણને લઈને રાજ્યભરમાં બ્રેક ધ ચેઈન અંતર્ગત સંચારબંધી લાગુ છે. આંતરજિલ્લા પ્રવાસ માટે 23 એપ્રિલથી ઈ-પાસ બંધનકારક કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં હમણાં સુધી મુંબઈ પોલીસ પાસે ઈ-પાસ માટે 1,56,811 અરજીઓ આવી. તેમાંથી 70 ટકા અરજીઓ નકારવામાં આવી છે. આમાં મોટે ભાગે લગ્નમાં જવું છે એવી અરજીઓ આવી છે, જે પછી હનીમૂન પર જવા માટે ઈ-પાસની માગણી સૌથી વધુ કરવામાં આવી છે. આ માગણીઓ મે મહિનામાં સૌથી વધુ કરવામાં આવી હતી.

મુંબઈ સહિત રાજ્યભરમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. તે છતાં નાગરિકો મોટી સંખ્યામાં બહાર ફરતા જોવા મળ્યા હતા. તેમાં મુંબઈમાં સોમવારથી વધુ છૂટછાટ મળતાં લોકડાઉન હોય તેવું જણાતું નથી. થોડા સમય પૂર્વે ગિરદી ટાળવા માટે પોલીસે કલર કોડિંગ સિસ્ટમ લાગુ કરી હતી. જોકે નાગરિકોએ તેનો ગેરલાભ લેવાનું શરૂ કરતાં પોલીસનો જ તાણ વધી ગયો હતો. આથી આ સિસ્ટમને પડતી મૂકવી પડી હતી.

આ પછી 22 એપ્રિલથી વધારાનાં કઠોર નિયંત્રણોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં અત્યાવશ્યક સેવા, તબીબી ઉપચાર અથવા એવા પ્રકારનાં ટાળી નહીં શકાય તેવાં કારણો માટે જ ફક્ત પ્રવાસીઓને છૂટ આપવામાં આવી છે અને 23 એપ્રિલથી પ્રવાસ માટે ઈ-પાસ બંધનકારક કરવામાં આવ્યો છે.

ફક્ત 54,823 અરજીઓ મંજૂર
ઈ-પાસ માટે નાગરિકો તબીબી અને અંતિમસંસ્કારનાં કારણો પણ મોટી સંખ્યામાં આપે છે. લગ્ન, હનીમૂન ઉપરાંત ઘર શિફ્ટિંગ, પ્રેમપ્રકરણનાં કારણો પણ આપે છે. ડીસીપી ચૈતન્યા એસ.એ જણાવ્યું કે 1,56,811 અરજીઓ અમારી પાસે આવી હતી, જેમાંથી ફક્ત 54,823 મંજૂર કરાઈ છે. મોટા ભાગની અરજીઓમાં કારણો અને દસ્તાવેજો વચ્ચે કોઈ મેળ ખાતો નહીં હોવાથી તેને નકારી કાઢવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...