કોરોનાની ત્રીજી લહેર પૂર્ણપણે અંકુશમાં આવી છે ત્યારે આઈઆઈટી કાનપુર તરફથી જુલાઈમાં ચોથી લહેર આવશે એવો ઈશારો આપવામાં આવ્યો હોવાથી મુંબઈ મહાપાલિકા ફરીથી એલર્ટ મોડ પર આવી છે. ચોથી લહેરના ઈશારાની પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ રાજ્યની ટાસ્ક ફોર્સને માર્ગદર્શન કરવાની વિનંતી કરી છે. અત્યારે દર્દીઓની સંખ્યા ઓછી થવાથી 6 જમ્બો સેંટર બંધ કરવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી.
મુંબઈમાં માર્ચ 2020માં કોરોનાનો પ્રવેશ થયા પછી અત્યાર સુધી કોરોનાની ત્રણ લહેર આવી. ડિસેમ્બર 2021માં કોરોનાની સૌથી વધુ ઝડપે ફેલાતી ત્રીજી લહેર આવી હોવાથી દરરોજ નોંધાતા નવા દર્દીઓની સંખ્યા 20 હજારના પાર કરી ગઈ. ત્રીજી લહેર એક મહિનામાં જ અંકુશમાં આવવાથી અત્યારે તમામ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હોવાથી ફરીથી દર્દીઓની સંખ્યા વધવાનું જોખમ કાનપુર આઈઆઈટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
જુલાઈના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં કોરોનાની ચોથી લહેર આવશે. આ લહેરની અસર ઓકટોબર સુધી રહેશે. 22 જુલાઈથી 22 ઓકટોબર સુધી આ લહેર રહેશે અને 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ દર્દીઓ મળશે. એ પછી ચોથી લહેર નિયંત્રણમાં આવશે એમ આઈઆઈટીએ જણાવ્યું છે. તેથી મહાપાલિકાએ અત્યારે સાવચેતીવાળી ભૂમિકા લીધી છે.
રસીકરણનું પ્રમાણ સરસ
મુંબઈમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ ઝુંબેશની શરૂઆત થઈ. 16 જાન્યુઆરી 2021થી 3 માર્ચ 2022 સુધી પહેલો ડોઝ 118 ટકા અને બીજો ડોઝ 98 ટકાએ લીધો છે. 15 થી 18 વર્ષની વયજૂથ સુધીના 60 ટકા બાળકોએ પહેલો અને 34 ટકા બાળકોએ બીજો ડોઝ લીધો છે. પ્રિકોશન ડોઝના લગભગ 13 લાખ લાભાર્થીઓ છે. છેલ્લા બે મહિનામાં 3 લાખ 42 હજાર જણે ડોઝ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.