નિર્ણય:7500 થી વધુ મેઈનટેનન્સ પર 18 ટકા જીએસટી લાગશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 લાખથી ઓછી આવકવાળી સોસાયટીઓને GST નહીં

આલિશાન ગગનચુંબી ટાવરોમાં રહેતા રહેવાસીઓએ હવે મેઈનટેનન્સ પર જીએસટી ભરવાનો રહેશે. દર મહિના રૂ. 7500થી વધુ મેઈનટેનન્સવાળી સોસાયટીઓએ સભ્યો પાસેથી લેવામાં આવતા મેઈનટેનન્સ ચાર્જ પર હવે 18 ટકા જીએસટી ભરવો પડશે એવો મહત્ત્વનો ચુકાદો જીએસટીના મુંબઈ પ્રાધિકરણે તાજેતરમાં આપ્યો છે. આ નિર્ણયના કારણે સોસાયટીના સભ્યો પર આર્થિક ભાર વધશે એવી શક્યતા છે.

અંધેરીની એમરાલ્ડ કો-ઓપ હાઉસિંગ સોસાયટી પ્રકરણમાં જીએસટીના મુંબઈ પ્રાધિકરણમાં સુનાવણી થઈ હતી. મેઈનટેનન્સ પર જીએસટી ન ભરવાથી વિભાગે પ્રશાસનને નોટિસ બજાવી હતી. મેઈનટેનન્સ પર જીએસટી વસૂલ કરવાની જોગવાઈ 2021ના નાણાં કાયદામાં છે. એની અમલબજાવણી 1 જુલાઈ 2017થી થવાની છે એમ આ સુનાવણીમાં પ્રાધિકરણે સ્પષ્ટ કર્યું હતું. આ નિયમ અનુસાર સભ્યો પાસેથી માસિક રૂ. 7500 અથવા એના કરતા વધુ મેઈનટેનન્સ લેતી સોસાયટીઓ આ જીએસટી માટે પાત્ર હશે. જોકે નાની સોસાયટીઓની વાર્ષિક આવક રૂ. 20 લાખથી ઓછી છે તેમણે જીએસટી ભરવો નહીં પડે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

મુંબઈની જૂની સોસાયટીઓમાં સરેરાશ બેથી ચાર રૂપિયા સ્કવેર ફૂટ દીઠ મેઈનટેનન્સ લેવામાં આવે છે. તેથી લગભગ 400 સ્કવેર ફૂટના વન બીએચકે અથવા 600 સ્કવેર ફૂટના ટુ બીએચકે ઘરનું મેઈનટેનન્સ રૂ. 2000 જેટલું હોય છે. પણ નવા ઊભા થનારા ટાવરમાં મેઈનટેનન્સ આઠથી બાર રૂપિયા સ્કવેર ફૂટ જેટલું હોય છે. મુખ્યત્ત્વે દક્ષિણ મુંબઈ અથવા પશ્ચિમના ઉપનગરોમાં આવા ફ્લેટનો એરિયા 1500 સ્કવેર ફૂટથી 4000 સ્કવેર ફૂટ હોય છે. આવા ફ્લેટધારકોએ જીએસટી ભરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...