કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચે આરોપ- પ્રત્યારોપ હજુ પણ ચાલુ જ છે. જુહુના બંગલોમાં અનધિકૃત બાંધકામ થયું છે એમ કહીને મહાપાલિકા દ્વારા નોટિસ ફટકાર્યા બાદ સર્જાયેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાણે રાજ્યના મહેસૂલ મંત્રી હતા ત્યારના એક વ્યવહારની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
થાણે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંબંધે મહારાષ્ટ્રના લોકાયુક્ત પાસે ફરિયાદ કરવામાં આવી હતી. તેમાં આ વ્યવહારમાં ગેરરીતે થઈ હોઈ આ જમીન પાણીને ભાવે વેચી હોવાનું જણાવાયું હતું. આ સંબંધે આખઆ કુટુંબની તપાસ કરવામાં આવે. બિનહિસાબી માલમતા જપ્ત કરીને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આ માગણીને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે માહિતી અધિકાર કાર્યકર્તા પ્રદીપ ભાલેકરે રાણે વિરુદ્ધ પોલીસમાં એક ફરિયાદ આપી છે. તેમાં જણાવાયું છે કે રાણે મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી હતી ત્યારે સરકારે એક વ્યવહાર કર્યો હતો. તેમાં રાજ્ય સરકારની જમીન પર એક પ્રીમિયર કંપની હતી. તેને માથે રૂ. 186 કરોડનો બોજ હતો. તે જ કંપનીની 86 એકરની જમીન ફક્ત રૂ. 12 કરોડમાં એક બિલ્ડરને વેચી મારવામાં આવી હતી. ખાસ કરીને ખોટો જીઆર કરીને આ જમીન વેચવામાં આવી છે, એવો આરોપ રાણે પર કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર, ગોવા, લંડનમાં સંપત્તિ
રાણેએ ડોંબિવલીના અનેક ખેડૂતોની રાજ્ય સરકારની જમીનો બિલ્ડરને વેચી મારી હતી. આથી આ વ્યવહાર સંબંધે રાણે કુટુંબની મહારાષ્ટ્ર, ગોવા અને લંડનની સંપત્તિ વિશે તપાસ કરવામાં આવે એવી માગણી માહિતી અધિકાર કાર્યકર્તાએ રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો પાસે કરી છે. આ જ રીતે રાજ્યના લોકાયુક્ત પાસે પણ ફરિયાદ કરી છે. આખરે આ પ્રકરણે થાણે ખાતે મહારાષ્ટ્ર રાજ્ય એન્ટી કરપ્શન બ્યુરો કાર્યાલય દ્વારા આ પ્રકરણની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.