રાજકારણ:મુંબઈમાં ઓપરેશન ધનુષ્યબાણ વિ. ઓપરેશન કમળઃ રાજકારણ ગરમાયું

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી અને સૌથી શ્રીમંત એવી મુંબઈ મહાપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે એક સમયના ગાઢ મિત્રો હવે કટ્ટર દુશ્મન બનીને એકબીજાને પછડાટ આપવા માટે મેદાનમાં ઊતર્યા છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2022માં નિર્ધારિત છે, પરંતુ તે પૂર્વે જ મુંબઈમાં ઓપરેશન ધનુષ્યબાણ વિરુદ્ધ ઓપરેશન કમળ શરૂ થયું છે. બંને પક્ષો દ્વારા એકબીજાના નગરસેવકોને ફોડવાની ભાષા કરવામાં આવી રહી છે. આથી આ વખતની ચૂંટણી વધુ ખેંચતાણવાળી બની રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

રાજ્યમાં શિવસેનાએ ભાજપને તરછોડીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીનો હાથ ઝાલીને આશ્ચર્યજનક સમીકરણ રચીને સત્તા સ્થાપન કર્યા પછી આ ભગવા પક્ષો વચ્ચેનું અંતર વધી ગયું છે. ખાસ કરીને 105 બેઠક જીતીને પણ સત્તાથી વંચિત રહેવાથી ભાજપ મહાપાલિકામાં શિવસેનાની સત્તા છીનવી લેવા માટે કોઈ કસર બાકી રાખવા માગતો નથી ત્યારે શિવસેનાએ પણ સજ્જ તૈયારીઓ કરી દીધી છે.સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવે ગયા સપ્તાહમાં ભાજપના 15-20 નગરસેવકો અમારા સંપર્કમાં છે એવો દાવો કર્યો હતો, જે પછી ભાજપ પણ આક્રમક બન્યો છે. આને કારણે ફોડાફોડીનું રાજકારણ ગરમાયું છે.

રાજ્યમાં સત્તામાં ભલે ભાગીદાર હોય છતાં શિવસેના અને ભાજપ સ્વબળે લડવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે કોંગ્રેસે પણ સ્વબળે ચૂંટણી લડવાનો નારો આપી દીધો છે. જોકે રાષ્ટ્રવાદીની ભૂમિકા હજુ પણ સ્પષ્ટ નથી. જોકે હાલના તબક્કે તો બધા જ પક્ષો સ્વબળે ચૂંટણી લડશે એમ દેખાય છે, જેને કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની રહેવાની છે. ખાસ કરીને બધા જ વર્ચસ જમાવવા માગતા હોવાથી ખેંચતાણ અને ફોડાફોડી વધવાની છે તેમાં પણ કોઈ શંકા નથી.

મહાપાલિકામાં હાલમાં શિવસેનાના સૌથી વધુ 97 નગરસેવક છે. ભાજપના 83, કોંગ્રેસના 29, સમાજવાદી પાર્ટીના 6, મનસે 1, એમઆઈએમ 1, અભાસે 1 એવું સંખ્યાબળ છે. વાસ્તવમાં વિધાનસભાની ચૂંટણી પછી શિવસેનાએ કોંગ્રેસ- રાષ્ટ્રવાદીનો હાથ ઝાલતાં ભાજપ મહાપાલિકામાં રમત કરી શકે એવી શંકા હોવાથી શિવસેનાએ અગમચેતી રાખીને મનસેના સાત નગરસેવકોને ફોડી લીધા હતા, જેને કારણે બંને ભગવા પક્ષો વચ્ચે નગરસેવકોની સંખ્યામાં હવે અંતર વધી ગયું છે.

2017ની ચૂંટણી પછી
2017માં મહાપાલિકાની ચૂંટણી પછી તે સમયે રાજ્યની શિવસેના- ભાજપની સત્તામાં થયેલી સમજૂતી અનુસાર ભાજપે મહાપાલિકામાં પહેરેદારની ભૂમિકા પાર પાડી હતી. જોકે હવે શિવસેનામાં નારાજ નગરસેવકોને ફોડીને મહાપાલિકામાં શિવસેનાની સત્તા છીનવી લેશે કે કેમ એવો પ્રશ્ન છે, જ્યારે બીજી બાજુ શિવસેના ભાજપના નગરસેવકો ફોડીને ઓપરેશન લોટસ નિષ્ફળ બનાવશે કે કેમ તે આગામી થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. બીજી બાજુ ભાજપને મનસેનો પણ સાથ મળવાની પૂરેપૂરી શક્યતા છે. આથી વર્ષોથી મહાપાલિકામાં અડિંગો જમાવી બેઠેલી શિવસેના માટે આ વખતે સત્તા જાળવી રાખવાનું કામ એટલું આસાન નહીં જ હોય, એમ રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...