મુંબઈમાં વસતિ વધી રહી છે તેમ વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. તે સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારની સંખ્યા પણ વધી રહી છે, જેનું એક કારણ રસ્તા પર ટ્રાફિક પોલીસની સંખ્યા ઓછી છે. મુંબઈમાં 42 લાખ વાહનો છે, જેની તુલનામાં 3000 ટ્રાફિક પોલીસ અને અધિકારી છે. આનો અર્થ પ્રત્યેક 1400 વાહનોનું ધ્યાન રાખતા માટે ફક્ત એક પોલીસ છે.મુંબઈમાં વાહનોનાં રજિસ્ટ્રેશન વધી ગયાં છે, જે સાથે મુંબઈમાં સૌથી વધુ વાહનની નોંધણી થઈ રહી છે.
ખાસ કરીને રાજ્યના આર્થિક સર્વેક્ષણમાં મુંબઈમાં અન્ય રાજ્યોની તુલનામાં 10 ટકાથી વધુ વાહનોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું હોવાની નોંધ કરવામાં આવી છે.આથી મુંબઈમાં ટ્રાફિકની ગીચતા અને પ્રદૂષણની સમસ્યા તેને કારણે વધી છે. મુંબઈમાં 42 લાખ વાહનો સાથે ગયા વર્ષની તુલનામાં તેમાં ત્રણ ટકા વધારો થયો છે. આ સાથે ટુવ્હીલરની સંખ્યા 23.6 લાખ છે, જ્યારે હલકાં વાહનો 12.8 લાખ છે. તેમાંથી 11 લાખ ખાનગી વાહનો છે.મુંબઈમાં વાહનોની ઘનતા દરેક ચોરસ કિમીમાં 585 હજાર સુધી પહોંચી છે.
કોરોનાકાળમાં પણ વાહનો વધ્યા : દરમિયાન કોરોનાકાળમાં કુટુંબની સુરક્ષાનું ધ્યાન રાખવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અનેક લોકોએ મોટે પાયે વાહનોની ખરીદી કરી છે. તેમાં કાર અને ટુ-વ્હીલરની સંખ્યા સૌથી વધુ છે. દરમિયાન મુંબઈમાં જૂનાં વાહનો અને પાર્કિંગનો મોટો અવરોધ છે. મુંબઈ પોલીસે નધણિયાતાં વાહનો પર કાર્યવાહી શરૂ કરતાં તે પ્રમાણ ઓછું થયું છે છતાં હજુ ઘણાં વાહનો રસ્તાઓ પર નધણિયાતાં પડેલાં અને કેટલાંક ઠેકાણે રસ્તાઓ પર ડબલ અને ટ્રિપલ પાર્કિંગ પણ જોવા મળે છે.
કયા આરટીઓમાં કેટલાં વાહન
તારદેવમાં 15,195, અંધેરીમાં 13,702, વડાલામાં 13,313 અને બોરીવલીમાં 14,671 વાહનોનું રજિસ્ટ્રેશન આરટીઓમાં થયું છે. એક સમાજસેવકે જણાવ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે જાગૃતિ વધારવી જોઈએ. ટ્રાફિક પોલીસની સંખ્યા વધારવી જોઈએ. ઈ-ચલાન કાર્યવાહી ઉગ્ર બનાવવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.