ભાસ્કર વિશેષ:રિચાર્જ સહિત દેશમાં એક જ કાર્ડ વાપરી શકાશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ કાર્ડ પર મેટ્રો, બેસ્ટ અને રેલવેમાં પ્રવાસની સુવિધા ફેબ્રુઆરીના અંતમાં

હવે એક જ કાર્ડ પર બેસ્ટની સાથે રેલવે અને મેટ્રોમાં પ્રવાસ કરી શકાશે. આ પ્રવાસ માટે બેસ્ટ ઉપક્રમ તરફથી નેશનલ કોમન મોબિલિટી કાર્ડની સુવિધા ફેબ્રુઆરીના અંતથી ઉપલબ્ધ કરી આપવામાં આવશે. પ્રવાસીઓના સમયની બચત થાય તથા ટિકિટ, પાસ કાઢતા રોકડ રકમનો ઉપયોગ ટાળી શકાય એના માટે બેસ્ટ ઉપક્રમ તરફથી આ સુવિધા આપવામાં આવશે. બેસ્ટ ઉપક્રમે 2020 ઓકટોબરથી કોમન મોબિલિટી કાર્ડની ચકાસણી શરૂ કરી હતી. એને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપીને આ કાર્ડ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરી આપવામાં આવશે.

આ કાર્ડ દ્વારા પ્રવાસીએ ટિકિટના રૂપિયા ચુકવવાના રહેશે. એના માટે કાર્ડમાં રૂપિયા હોવા જરૂરી છે. આ કાર્ડ રિચાર્જ કરી શકાશે. આખા દેશમાં જ્યાં બસ, મેટ્રો અને બીજા પરિવહનમાં મોબિલિટી કાર્ડની સુવિધા છે ત્યાં બેસ્ટના કાર્ડનો ઉપયોગ કરી શકાશે એમ બેસ્ટ ઉપક્રમના મહાવ્યવસ્થાપક લોકેશ ચંદ્રએ જણાવ્યું હતું. આ કાર્ડ માટે એક બેંક સાથે કરાર કરવામાં આવશે. પ્રવાસી પરિવહનમાં ટિકિટ કઢાવવા સહિત ડેબિટ કાર્ડની જેમ આ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આ કાર્ડ દ્વારા વીજબિલ ભરવા સહિત અનેક બિલ ભરવાની સુવિધા હશે.

રેલવે, મેટ્રો, મોનો, બેસ્ટ અને બીજા સાર્વજનિક પરિવહન ઉપક્રમ માટે એક જ ટિકિટ હોવી જોઈએ એના માટે એમએમઆરડીએ તરફથી એકાત્મિક ટિકિટ સિસ્ટમ યોજના કેટલાક વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવી પણ આ યોજના હજી શરૂ કરવામાં આવી નથી. એ પહેલાં જ બેસ્ટ તરફથી આ કાર્ડની સુવિધા આપવામાં આવશે. મુંબઈ ઉપનગરીય લોકલમાં પણ ટિકિટ, પાસ માટે આ સેવા લાવવાનો પ્રયત્ન એમઆરવીસીના માધ્યમથી ચાલુ છે. પણ હજી એનું મૂરત આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...