મુંબઇમાં રહેતા કચ્છી સમાજના રોકાણકારોના આશરે 1000 કરોડ રૂપિયાના મુખ્ય 25થી વધુ દેવાદારો સામે છેલ્લા દોઢ વર્ષથી લડત ચલાવી રહેલી સંસ્થા કચ્છી સહિયારૂ અભિયાનની મહેનત રંગ લાવી રહી છે. એક પછી એક દેવાદોરોને સમજાવીને આગેવાનો સફળતાપૂર્વક 1200 જેટલા પરિવારોના સલવાયેલાં નાણાં પરત લાવવામાં સફળ થયા છે. હવે થાણેમાં રહેતા કચ્છી વસંતભાઇ માલશી ગાલાએ ગુજરાતના ભાવનગર શહેરનો એક શોરૂમ, પાલીતાણા શહેરના 3 પ્લોટ સહિતની મિલકતો અભિયાનના આગેવાનોને 5.45 કરોડના દેવા પેટે સોંપી દીધા છે.
કચ્છી સહિયારૂ અભિયાનના આગેવાનો ધીરજ છેડા (એકલવીર) અને અનિલ ગાલા (વડાલા), કિશોર સાવલા (વડાલા), દીપક ભેદા, અનિલ ગાલા એકવોકેટ અને નવિનભાઇ શાહની ટીમે દેવાદાર અને લેણદારોના પક્ષકારો વચ્ચે સમજૂતી કરાવીને નાના રોકાણકારોના પરિવારની પડખે ઊભા રહ્યા છે. કચ્છના વડાલાના વતની અને ગોરેગાવમાં રહેતા અનિલ ગાલાએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, કોરોના મહામારીમાં અનેક લેણદાર પરિવારો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે, એવા સમયે વર્ષોથી બાકી લેણી નીકળતી રકમનો અમુક હિસ્સો પરત મળી જતાં તેઓએ કચ્છી સહિયારૂ અભિયાનની લડતમાં સહકાર આપી રહ્યા છે. નાણાં ધીરદારની દલાલીનો ધંધો કરતા અને મુલુંડમાં રહેતા લક્ષ્મીચંદ વીરા હસ્તક આશરે 120 રોકાણકારોએ વસંત ગાલાને 5.45 કરોડનું ધિરાણ કર્યું હતું. એ બાદ તેઓ નાણાં પરત આપવામાં સક્ષમ નહીં હોવાને કારણે રોકાણકારો અમારી સમક્ષ આવ્યા હતા. અમારી ટીમે દેવાદાર પક્ષ સાથે વાત કરીને ભાવનગરમાં મેધાણી સર્કલ પાસેનો 3850 સ્ક્વેરફૂટનો એક શોરૂમ, પાલીતાણામાં 3 પ્લોટ હાલમાં અમારી સંસ્થાના આગેવાન ધીરજભાઇના નામે લખી આપ્યા છે, જયારે હજુ તેમનો અમદાવાદનો 1 પ્લોટ, શંખેશ્વરના 2 બંગલો અને પાલીતાણામાં 2 બંગલો અમને સોંપી દેશે જેથી એ મિલકત વેચાણ કરીને અમે લેણદારોને તેમની રકમ ચૂકવી શકીશું. અમે દેવાદાર પક્ષને પણ મોટું મન રાખીને આ કોરોનાકાળમાં તેમની કંપનીમાં નાણાં ધિરાણ કરાયેલૂ વ્યક્તિઓને પરત આપવામાં ઉદાર મન રાખવા જણાવ્યું હતું અને તેઓ સંમત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.