કાર્યવાહી:પવારના ઘર પર હુમલા સંબંધમાં નાગપુરથી વધુ એકની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદાવર્તે સાથે નાગપુરવાસી ફોન પર સંપર્કમાં હતો

એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરની બહાર હડતાળિયા એસટી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનના સંબંધમાં મુંબઈ પોલીસે ગુરુવારે નાગપુરમાંથી એક જણની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 116 જણની ધરપકડ કરવામાં આવી છે.

એસટી કર્મચારીઓ દ્વારા પવારના ઘર પર કથિત હુમલાના સંબંધમાં નાગપુરથી ધરપકડ કરાયેલા સંદીપ ગોડબોલેને કિલ્લા કોર્ટના મેજિસ્ટ્રેટ સામે હાજર કરાતાં બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ વલસે- પાટીલે મંગળવારે શરદ પવારના નિવાસસ્થાન બહાર એસટી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન સાથે નાગપુર કનેકશનનો આરોપ મૂક્યો હતો.તે એક યોજનાબદ્ધ હુમલો હતો, આ ઘટનાને નાગપુર સાથે કનેક્શન છે, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

કેટલાક પત્રકારોને પણ પોલીસ દ્વારા આ ઘટનાના સંબંધમાં બોલાવવામાં આવ્યા હતા, એમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું.દરમિયાન પવારના ઘરની બહાર વિરોધ પ્રદર્શનની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે બુધવારે ગુણરત્ન સદાવર્તેની પત્ની જયશ્રી પાટીલને આ કેસમાં વોન્ટેડ આરોપી બતાવી છે. પોલીસે સદાવર્તે એસટી કર્મચારીઓ પાસેથી મોટે પાયે નાણાં ભેગા કરીને વિશ્વાસઘાત કર્યો હોવાની કલમો પણ ઉમેરી છે.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના કર્મચારીઓ માટે સદાવર્તે વકીલ છે. સદાવર્તેની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.

100થી વધુ એસટી કર્મચારીઓએ ગયા શુક્રવારે પવારના મુંબઈ સ્થિત નિવાસસ્થાન સિલ્વર ઓકની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમને ઉશ્કેરવા બદલ સદાવર્તેની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે હિંસક આંદોલન પહેલા સદાવર્તે નાગપુરમાં કોઈના સંપર્કમાં હતો અને મિડિયાને પણ બોલાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સદાવર્તેના ફોનની તપાસ દરમિયાન આ વિગતો બહાર આવી હતી. ઘટનાની સવારે સદાવર્તેએ પત્રકાર સૂર્યવંશી અને નાગપુરની એક વ્યક્તિને વ્હોટ્સએપ કોલ કર્યો હતો.

કોલનો જવાબ મળ્યો નહીં ત્યારે તેમણે પત્રકારોને મોકલવાનું કહેતો એક સંદેશ મોકલયો હતો, એમ સરકારી વકીલે જણાવ્યું હતું.પોલીસે 11 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી. જોકે સુનાવણી પછી કોર્ટે અન્ય ચાર આરોપીઓ સાથે પૂછપરછ કરવા માટે સદાવર્તેની કસ્ટડી બે દિવસ વધારી દીધી હતી.

પત્રકારે ચોંકાવતી માહિતી આપી
દરમિયાન અધિકારીએ કહ્યું કે વિરોધ પાછળના ષડયંત્રની તપાસ દરમિયાન, કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા જે આ કેસમાં જયશ્રી પાટીલની સંડોવણી દર્શાવે છે. ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક ચંદ્રકાંત સૂર્યવંશી, જે મરાઠી યુટ્યુબ ચેનલનો પત્રકાર હોવાનો દાવો કરે છે, તેણે પોલીસને જણાવ્યું છે કે વિરોધના એક દિવસ પહેલા એસટી કર્મચારીઓની કોર કમિટીની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં પવારના નિવાસસ્થાન સિલ્વર ઓકની સામે સેન્ડલ- જૂતા અને પથ્થરો સાથે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સૂર્યવંશીના નિવેદન મુજબ, સદાવર્તેની પત્ની મિટિંગ દરમિયાન હાજર હતી.

અન્ય સમાચારો પણ છે...