તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:એક લાખ આધુનિક હેન્ડ-ગ્રેનેડ લશ્કરને સુપરત કરાયા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરઆંગણે ભારતમાં ખાનગી કંપની દ્વારા હેન્ડ-ગ્રેનેડ ઉત્પાદન કરવાનો પ્રથમ કિસ્સૉ

નાગપુર સ્થિત ખાનગી કંપની ઈકોનોમિક એક્સપ્લોઝિવ્ઝ લિ. (ઈઈએલ) દ્વારા ઘરઆંગણે બનાવવામાં આવેલા એક લાખ આધુનિક હેન્ડ- ગ્રેનેડ્સની પ્રથમ બેચ મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતીય લશ્કરને સુપરત કરવામાં આવી હતી.

નાગપુર ખાતે એક સમારંભમાં લશ્કરને આ મલ્ટી- મોડ હેન્ડ- ગ્રેનેડ (એમએમએચજી)નું કન્સાઈનમેન્ટ સુપરત કરવામાં આવ્યું હતું. ભારતમાં ખાનગી કંપની દ્વારા હેન્ડ-ગ્રેનેડ ઉત્પાદનનો આ પ્રથમ કિસ્સો છે. ઈઈએલ સોલાર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે, જેણે ગયા મહિનાથી સશસ્ત્ર બળોને આધુનિક હેન્ડ- ગ્રેનેડ્સની ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે. આના ભાગરૂપે 1 લાખ એમએમએચજીનું પ્રથમ કન્સાઈનમેન્ટ લશ્કર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં સફળ થવા પર ડિલિવરી કરવામાં આવી છે.

ખાનગી ક્ષેત્ર દ્વારા સશસ્ત્ર બળોને શસ્ત્રોની પ્રથમ ડિલિવરીના માનમાં ઈઈએલના ચેરમેન એસ એન નુવાલે એમએમએચજીની પ્રતિકૃતિ રાજનાથને સુપરત કરી હતી.આર્મી સ્ટાફ જનરલના પ્રમુખ એમ એમ નરવણે, ડીઆરડીઓના ચેરમેન ડો. જી સથીશ રેડ્ડી, ઈન્ફેન્ટરી ડીજી લેફ. જન. એ કે સમાંત્રા આ અવસરે હાજર હતા. ઈઈએલ દ્વારા લશ્કર અને ભારતીય હવાઈ ગળના ઉપયોગ માટે સંરક્ષણ મંત્રાલય સાથે 1 ઓક્ટોબર, 2020ના રોજ 10 લાખ આધુનિક હેન્ડ- ગ્રેનેડનો પુરવઠો કરવા માટે કરાર કરવામાં આવ્યા હતા.

આ ડિલિવરી બે વર્ષમાં કરાશે. આજ સુધી વપરાતા વિશ્વયુદ્ધ 1ની વિંટેજ ડિઝાઈનનના ગ્રેનેડ નં. 36ની જગ્યા પર આ નવા ગ્રેનેડ્સ બનાવવામાં આવ્યા છે. એમએમએચજે એ રીતે ઘડવામાં આવ્યા છે કે તેનો ઉપયોગ વધુ આસાનીથી કરી શકાય છે. તે અત્યંત અચૂક ડિલે ટાઈમ ધરાવે છે, ઉપયોગમાં અત્યંત ઉચ્ચ વિશ્વસનીયતા ધરાવે છે અને પરિવહન માટે પણ સુરક્ષિત છે. તે ડીઆરડીઓની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા ડિઝાઈન કરાયા છે, એમ ઈઈએલની યાદીમાં જણાવાયું છે.

ડીઆરડીઓ પાસેથી ટેકનોલોજી લીધી
ઈઈએલ દ્વારા 2016માં ડીઆરડીઓ પાસેથી ટેકનોલોજી લેવામાં આવી હતી. તેની પર ભારતીય લશ્કર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ દ્વારા 2017-18માં ઉનાળો અને શિયાળામાં વિવિધ મેદાન, રણ અને ઊંચાઈઓ પર પરીક્ષણ કરાયાં હતાં. જનરલ સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટની 95 ટકાની વિશ્વસનીયતા સામે ઈઈએલના આ ગ્રેનેડ્સ 99.8 ટકાની ઉચ્ચ ઉત્કૃષ્ટ વિશ્વસનીયતા ધરાવે છે, એમ યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...