અત્યાધુનિક એરપોર્ટનું સપનું સાકાર:નવી મુંબઈ એરપોર્ટ નિર્માણની આડે આવતો ગ્રામજનોનો અવરોધ દૂર

મુંબઇ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકલપગ્રસ્ત પાંચ ટકા ગ્રામજનોએ પણ ઘર ખાલી કરવા તૈયારી બતાવી

મુંબઈ એરપોર્ટ પર આવી રહેલા ભારને ધ્યાનમાં લેતાં નવી મુંબઈમાં અત્યાધુનિક અને વધુ ક્ષમતા સાથેનું એરપોર્ટ સાકાર કરવાનું સપનું સાકાર થવા માટે છેલ્લો અવરોધ પણ દૂર થયો છે. પ્રસ્તાવિત નવી મુંબઈ એરપોર્ટથી પ્રભાવિત દસ ગામોમાંથી 95 ટકા ગ્રામજનો બે વર્ષ પહેલાં જ સ્થળાંતર કરી ગયા હતા અને પાંચ ટકા ગ્રામજનો હજુ ચાર ગામોમાં રહે છે. તેમણે વળતર માગવા માટે સિડકોની સંમતિ સ્વીકારી નહોતી. આથી તેમણે પોતાનાં ઘર છોડ્યાં નહોતાં, પરંતુ હવે ચર્ચા બાદ ઘણા ગ્રામજનોએ તેમનાં ઘર ખાલી કરવાનું નક્કી કર્યું છે અને તે મુજબ ખાલી કરવાનું શરૂ કર્યું છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘તમે જમીનનો કબજો આપો, અમે તમારી સમસ્યાઓ ઉકેલીશું’ એવું સિડકો અને પોલીસ તરફથી આશ્વાસન મળ્યા બાદ તેઓએ પોતાનું ઘર ખાલી કરવાનું શરૂ કર્યું. જોકે જે ગ્રામજનોને નોટિસ મળી નથી તેઓએ ઘરનો કબજો છોડ્યો નથી.

મુંબઈ એરપોર્ટનો વિસ્તાર ઈન્ટરનેશનલ એરપોર્ટ નવી મુંબઈમાં પનવેલ ખાતે બનાવવાનું પ્રસ્તાવિત છે. આ માટે 1600 હેક્ટર જમીનની જરૂર પડશે અને આ માટે દસ ગામોનું સ્થળાંતર કરવાનું હતું. આમાંથી છ ગામજનો બે વર્ષ પહેલાં સિડકો દ્વારા ચૂકવવામાં આવેલાં વળતર પર સ્થળાંતરિત થયા હતા, પરંતુ ચાર ગામના ગ્રામજનો ગામ છોડવા તૈયાર નહોતા. સિડકો દ્વારા કરવામાં આવેલા ફોલો -અપ પછી, કેટલાક ગ્રામજનોએ ધીમે ધીમે સિડકોની ઓફર સ્વીકારી અને તેમનાં ઘર ખાલી કર્યાં. તે તોડી પાડીને જમીન ખાલી કરાઈ છે. જોકે સિડકો તમામ માગણીઓ માટે સંમત નહીં થાય ત્યાં સુધી પાંચ ટકા ગ્રામજનોએ તેમનાં ઘર ખાલી ન કરવાનો નિર્ણય કર્યો હતો.

પંદર દિવસ પહેલાં સિડકોએ આ પાંચ ટકા ગ્રામજનોને તેમનાં ઘર ખાલી કરવા માટે અંતિમ નોટિસ મોકલી હતી. તેમાં જો ઘર જાતે ખાલી નહીં કરાય તો જમીનનો કબજો લઈને કોર્ટમાં વળતર સુપરત કરવામાં આવશે, એવી ચેતવણી આપવામાં આવી હતી.

વળી, બે દિવસ પહેલાં કેટલાક ગ્રામજનોને તેમનાં ઘરોને 24 કલાકમાં ખાલી કરવાની નોટિસ મળી હતી. પરિણામે ઘણાએ પોતાનું ઘર ખાલી કરવાનું શરૂ કર્યું છે. હવે નજીવા ઘર બચ્યાં છે. આ ગ્રામજનોને સિડકો દ્વારા સ્પીડ પોસ્ટથી ઘર ખાલી કરવા નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તુરંત ઘર ખાલી કરવાની તાકીદ આપવામાં આવી હતી. પરિણામે, કેટલાક ગ્રામજનોએ વળતર લીધા વિના જ તેમનાં ઘર ખાલી કરવાનું શરૂ કર્યું. કેટલાકને હજી સુધી નોટિસ મળી નથી. તેથી તેઓ નોટિસ પ્રાપ્ત કર્યા પછી ઘર ખાલી કરશે એમ જણાવ્યું છે.

100% ગ્રામજનો ખાલી કરે પછી કામ શરૂ
જ્યાં સુધી 100 ટકા ગ્રામજનો પોતાનું ઘર છોડીને પરિસર ખાલી નહીં કરે ત્યાં સુધી એરપોર્ટ માટે જરૂરી જગ્યાનો પ્રશ્ન ઉકેલાશે નહીં. તેથી, સિડકો 100 ટકા જગ્યા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે માત્ર થોડા ગ્રામજનોની ભૂમિકાને કારણે સિડકો જમીનનું સંપૂર્ણ નિયંત્રણ બાકી રહ્યું છે, જે પણ પ્રશ્ન ઉકેલાઈ જશે એમ સિડકો માને છે. હવે લોકડાઉનનાં નિયંત્રણો હળવાં થતાં સિડકો એરપોર્ટ માટેનું કામ ઝડપી બનાવવા માગે છે. તેથી, સિડકો જગ્યા ખાલી કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકો પણ હવે ઘર ખાલી કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમનાં ઘરો છોડવાનું શરૂ કરી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં સિડકોને જમીનનો કબજો મળી જશે અને જમીનનો પ્રશ્ન ઉકેલાશે, એમ સિડકો માને છે.

અમે ગામ છોડવાનું મન બનાવી લીધું છે
એક પ્રકલ્પગ્રસ્ત ગ્રામજને જણાવ્યું કે સિડકોએ ખાતરી આપી છે કે અમારા પુનર્વસનના પ્રશ્નો તે ઉકેલી કાઢશે. વળી, ગામ આટલા દિવસો ખાલી હોવા છતાં અમે રહ્યા. આખરે અમારે પણ જવું પડશે. તેથી અમે ગામ, ઘર ખાલી કરવા માટે અમારું મન બનાવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...