વિવાદ:શિવાજી પાર્કમાં બાળાસાહેબના સ્મૃતિસ્થળને લીધે RSSને વાંધો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની શાખા માટે વૈકલ્પિક જગ્યાની માગ કરી

બાળાસાહેબ ઠાકરેનું શિવાજી પાર્ક સ્થિત સ્મૃતિસ્થળ તમામ શિવસેના કાર્યકર્તાઓ માટે ભાવનાનો વિષય છે. પણ આ સ્મૃતિસ્થળના કારણે પોતાને અડચણ થતી હોવાની ફરિયાદવાળો વિનંતી કરતો પત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મુંબઈ મહાપાલિકાને મોકલ્યો છે. આ પત્ર 26 ઓકટોબર 2021ના મોકલવામાં આવ્યો હતો જે હાલ જાહેર થયો છે. આ પત્રમાં શિવાજી પાર્ક પર બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળના લીધે સંઘની શાખાને અડચણ થતી હોવાનું નોંધ્યું છે. તેમ જ આ સંદર્ભે કેટલીક માગણી કરવામાં આવી છે.

શિવાજી પાર્ક પર બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળને લાગીને જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા માટેની જગ્યા છે. સંઘના દાદર વિભાગ મારફત મહાપાલિકાને મોકલેલા પત્ર અનુસાર 1936થી સંઘની શિવાજી પાર્ક પર શાખા ભરાય છે. 1967માં મહાપાલિકાએ ત્યાં 1755 સ્કવેર મીટરનો ભૂખંડ સંઘની શાખા માટે ભાડે આપ્યો. 2007 સુધી આ ભૂખંડનું ભાડું પણ શાખાએ ભર્યું. 2007થી અત્યાર સુધી મહાપાલિકા પાસે વારંવાર માગણી કરવા છતાં આ જગ્યાનું આરેખન કરવામાં આવ્યું ન હોવાથી એનું ભાડું ચુકવ્યું નથી એમ નોંધવામાં આવ્યું છે.

દરમિયાન આ પત્ર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાદરના વિભાગે કેટલીક માગણીઓ પણ કરી છે. એમાં વૈકલ્પિક જગ્યાની માગણી કરવામાં આવી છે. સ્મૃતિસ્થળના કારણે હવે આરેખન કરવું મુશ્કેલ થશે એમ પત્રમાં નોંધ્યું છે. આ પત્રમાં બે મુખ્ય માગણી કરવામાં આવી છે. આ જગ્યાનું ભાડું તરત સ્વીકારવું એવી પહેલી માગણી છે. સ્મૃતિસ્થળનો વધતો વ્યાપ ધ્યાનમાં લેતા આ જગ્યાના બદલે શિવાજી પાર્ક મેદાન નજીક નાના-નાની પાર્ક પાસે ખુલ્લો ભૂખંડ ભાડેથી આરેખન કરીને આપવો એવી બીજી માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...