નિર્ણય:NSELને ડિફોલ્ટરો પાસેથી રિકવરી માટે સમિતિને મંજૂરી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રદીપ નંદજોગના વડપણ હેઠળ સમિતિની રચના થશે

વર્ષ 2013માં બનેલી એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પેમેન્ટ કટોકટી સંબંધે સર્વોચ્ચ અદાલતે ડિફોલ્ટરો પાસેથી નાણાંની રિકવરી કરવા શ્રી પ્રદીપ નંદજોગ (મુંબઈ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ)ના વડપણ હેઠળ સમિતિની રચના કરવા માટે મંજૂરી આપી છે.

નોંધનીય છે કે એનએસઈએલે એકલપંડે ડિફોલ્ટરો વિરુદ્ધ લડીને કુલ 3,534.46 કરોડ રૂપિયાની ડિક્રી/આર્બિટ્રેશન ઍવોર્ડ મેળવ્યા છે, જેનો અમલ હવે ઉક્ત સમિતિ કરાવશે. એ ઉપરાંત મુંબઈ વડી અદાલતે નીમેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ડિફોલ્ટરોની 760.31 કરોડ રૂપિયાની લાયેબિલિટી નિશ્ચિત કરી છે. આ લાયેબિલિટી પણ ટૂંક સમયમાં ડિક્રીમાં પરિવર્તિત થશે એવો વિશ્વાસ એનએસઈએલે વ્યક્ત કર્યો છે.

એનએસઈએલના કિસ્સામાં બે ડિફોલ્ટરોએ પોતાની 195.75 કરોડ રૂપિયાની લાયેબિલિટી ચૂકવી દીધી છે. એન. કે. પ્રોટીન્સ નામના ડિફોલ્ટર વિરુદ્ધ 964 કરોડ રૂપિયાની ડિક્રી મેળવવા માટેની કાર્યવાહી મુંબઈ વડી અદાલતમાં ચાલી રહી છે. જોકે, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ તથા સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે એન. કે. પ્રોટીન્સની 964 કરોડ રૂપિયાની લાયેબિલિટી આની પહેલાં જ કન્ફર્મ કરી દીધી છે.

એનએસઈએલના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડિફોલ્ટરોએ ચૂકવેલી રકમ તથા અન્ય રિકવરી મળીને કુલ 5,454.52 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે તથા એમની ઍસેટ્સને ટાંચમાં લેવામાં આવી છે. જો આ કેસમાં ટ્રેડિંગ ક્લાયન્ટ્સે કરેલા તમામ દાવાઓને સાચા ગણવામાં આવે તોપણ રિકવરી અને ઍસેટ્સ મળીને તમામ દાવાઓનો નિકાલ લાવી શકાય એટલી રકમ થાય છે. દાવાઓ સાચા છે કે ખોટા એની ચકાસણી સર્વોચ્ચ અદાલતે નીમેલી સમિતિ કરશે.

નોંધનીય છે કે સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ અગાઉ જણાવી ચૂકી છે કે એને 2,239.61 કરોડ રૂપિયાના દાવા મળ્યા છે, જેમાંથી 935.09 કરોડ રૂપિયાના દાવા સાચા હોવા વિશે શંકા છે. આમ, ફક્ત 1,304.61 કરોડ રૂપિયાના દાવા જ સાચા છે.

અન્ય સમાચારો પણ છે...