આક્ષેપ:હવે એડિશનલ મ્યુનિસિપલ કમિશનરનો નગરસેવકો વિરુદ્ધ લેટરબોમ્બથી આક્ષેપ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સંજીવ જયસ્વાલે પાંચ પાનાંના પત્રમાં ઠાકરે પાસે ન્યાયની માગણી કરી, પોતાના પર થયેલા આક્ષેપ ખોટી હોવાનંુ જણાવ્યું

મુંબઈ મહાપાલિકાના એડિશનલ કમિશનર સંજીવ જયસ્વાલે થાણેના માજી નગરસેવક સંજય ઘાડીગાવકર સામે ગંભીર આરોપ કરતો પત્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. અગાઉ ઘાડીગાવકરે જયસ્વાલ વિરુદ્ધ ઠાકરેને ફરિયાદ કરી હતી. તે ફરિયાદ બોગસ અને ખોટી હોવાનું જયસ્વાલે જણાવ્યું છે. ઘાડીગાવકર થાણે મહાપાલિકાના કોંગ્રેસની ટિકિટ પરથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જેમનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાતાં તેમને અપાત્ર ઠરાવ્યા પછી તેમણે મારી વિરુદ્ધ કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું એમ જણાવ્યું છે.

સર્વ કોર્ટ, થાણે મહાપાલિકાના કાયદા વિભાગમાંથી પણ તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી. તે સમયથી તેઓ મારી સામે વેરવૃત્તિ રાખે છે. 2019માં ઘાડીગાવકર ફરીથી ભાજપની ટિકિટ પરથી મહાપાલિકાની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપાત્ર નગરસેવક હોવાથી તેમને ચૂંટણી લડવા દેવાઈ નહોતી, જે સમયથી તેઓ મારી છબિ ખરાબ કરવા મારી વિરુદ્ધ ખોટી ફરિયાદો કરે છે, એમ જયસ્વાલે પત્રમાં જણાવ્યું છે.

સૂરજ પરમાર કેસ ઉખેળ્યો : નવી મુંબઈના બિલ્ડર સૂરજ પરમાર આત્મહત્યા કેસમાં સુસાઈડ નોટમાં અમુક નગરસેવકો અને રાજકારણીઓને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા. તે સમયે રાષ્ટ્રવાદીના નગરસેવકો હન્મંત જગદાળે, નજીબ મુલ્લા, કોંગ્રેસના વિક્રાંત ચવાણ, મનસેના સુધાકર ચવ્હાણની ધરપકડ કરવામાં આવી હતી.

આ બધા થાણેની વિખ્યાત ગોલ્ડન ગેન્ગના સાગરીતો છે. ઘાડીગાવકર અને અમુક અન્ય નગરસેવકો પણ આ ગોલ્ડન ગેન્ગના સાગરીતો છે, એમ પત્રમાં આરોપ કરાયો છે.જોકે આ પરમાર આત્મહત્યા કેસમાં અને બિનહિસાબી સંપત્તિ કેસમાં પુરાવાના અભાવે ઘાડીગાવકરની ધરપકડ કરાઈ નહોતી. આ ગેન્ગે થાણે મહાપાલિકામાં બ્લેકમેઈલિંગ અને ખંડણીનો યુગ શરૂ કર્યો હતો. મેં પોલીસની મદદથી આ ગોલ્ડન ગેન્ગ ચલાવનારને સફળતાથી રોકી હતી.

આરટીઆઈ બ્લેકમેઈલરો : થાણેમાં વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની ફરિયાદ પરથી આરટીઆઈ બ્લેકમેઈલરોનું રેકેટ પણ બહાર આવ્યું છે. મેં પોલીસને સુપરત કરેલા એક નામમાં સંજય ઘાડીગાવકરનું પણ નામ હતું. અન્ય એક પ્રદીપ પાટીલની ધરપકડ થઈ હતી અને પછી છુટકારો થયો હતો. પાટીલનો છુટકારો થતાં ઘાડીગાવકર અને સાગરીતોએ તે સેલિબ્રિટી હોય તેમ તેનો આવકાર આપ્યો હતો.

ન્યાય આપવા માગ
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પોલીસે મને અનુકૂળ રક્ષણ આપ્યું હતું. જોકે આ પછી મારી ટ્રાન્સફર મુંબઈમાં થઈ છે, પરંતુ મારે માથે હજુ પણ જોખમ ઝળુંબે છે. મારી વિરુદ્ધ વારંવાર બોગસ, બદઈરાદા સાથેની અને માનસિક રીતે વિચલિત કરનારી ફરિયાદો હજુ પણ કરવામાં આવે છે, જે રોકવામાં આવે એવી પણ માગણી તેમણે કરી છે.

બોગસ વિડિયો ક્લિપ
મારી છબિ ખરાબ કરવા ઘાડીગાવકર અને તેમના સાગરીતે બોગસ વિડિયો ક્લિપ પણ બનાવી હતી, જે બનાવનારા અશ્વિન શેટ્ટીની પછી પોલીસે ધરપકડ કરી હતી. આ લોકો થાણેમાં અનધિકૃત લેડીઝ બાર ચલાવતા હતા, જેની આડમાં વેશ્યાવ્યવસાય પણ ચાલતો હતો. આ બધાં અનધિકૃત માળખાં મેં તોડી પાડ્યાં હતાં, જે પછી આ બારના માલિકે મારો બોગસ વિડિયો તૈયાર કર્યો હતો. મારી વિરુદ્ધ પોસ્કો હેઠળ કેસ પણ દાખલ કરાવ્યો હતો. જોકે હાઈ કોર્ટે આરંભિક તબક્કામાં જ આ કેસ ફગાવી દીધો હતો.

100 હેક્ટર પર અનધિકૃત નિર્માણ
થાણેમાં પાંચ વર્ષના કાર્યકાળમાં મેં 100 હેક્ટર શહેરી બિલ્ટ અપ જગ્યામાં અનધિકૃત નિર્માણ હટાવીને રસ્તાઓ પહોળા કર્યા હતા. આ અનધિકૃત નિર્માણ પાછળ ઘાડીગાવકર અને અન્ય સ્થાનિક નગરસેવકોના આશીર્વાદ હતા. આ તોડકામને લીધે મારું જીવન ખતરામાં આવી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...