કાર્યવાહી:હવે શિવસેનાના વિધાનસભ્યને સેક્સટોર્શન કોલઃએકની ધરપકડ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલ રેકોર્ડ કરીને મોર્ફ કરીને અશ્લીલ રૂપ આપીને બ્લેકમેઈલિંગ

મહિલા બોલી રહી છે એવું બતાવીને અશ્લીલ વિડિયો કોલ કરીને શિવસેનાના વિધાનસભ્ય મંગેશ કુડાળકર પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર આરોપીને મુંબઈ પોલીસની સાઈબર સેલ દ્વારા રાજસ્થાનથી ધરપકડ કરવામા આવી છે. આરોપી મૌસમુદ્દીન ખાને વિધાનસભ્યનો કોલ રેકોર્ડ કર્યો હતો, જે પછી તે મોર્ફ કરીને અશ્લીલ રૂપ આપીને બ્લેકમેઈલ કરતો હતો. તેના સાગરીતોની હવે પોલીસ શોધ ચલાવી રહી છે.

કુડાળકરને કોઈકે હું મુશ્કેલીમાં છું એવું કહેતો મેસેજ મોકલ્યો હતો. આથી મદદ કરવા માટે કુડાળકરે મેસેજ આવ્યો હતો તે નંબર પર ફોન કોલ કર્યો હતો. તે સમયે સામે એક મહિલા હતી. તે વ્હોટ્સએપ પર વારંવાર મેસેજ મોકલીને વિડિયો કોલ કરતી હતી. વારંવાર કોલ આવતા હોવાથી કુડાળકર તેનો વિડિયો કોલ સ્વીકાર્યો હતો. જોકે બોલતી વખતે અમુક વાંધાજનક જણાતાં તેમણે કોલ કટ કરી નાખ્યો હતો.આ પછી કુડાળકરને ફોન કોલ કરીને પૈસા માટે ધમકીઓ આપવાનું શરૂ કરાયું. અશ્લીલ વિડિયો કોલ રેકોર્ડ કર્યો હોઈ તે તમારા સંબંધી અને ફ્રેન્ડ સર્કલમાં વાઈરલ કરવામાં આવશે એવી તેમને ધમકી આવવા લાગી હતી.

આ છેતરપિંડીનું પ્રકરણ છે એવું ધ્યાનમાં આવતાં કુડાળકરે સાઈબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જનપ્રતિનિધિને ધમકીઓ આપવામાં આવતી હોવાથી સાઈબર સેલ, ઉત્તર વિભાગનાં સિનિયર પીઆઈ શર્મિલા સહસ્રબુદ્ધેના માર્ગદર્શનમાં સવિતા શિંદે, મંગેશ મજગર, રાહુલ ખેત્રે, ગણેશ શિર્કે, દીપક પડળકર, અનિલ વારેની ટીમે મૌસમુદ્દીનનું છેક રાજસ્થાનમાં પગેરું મેળવીને ધરપકડ કરી છે. આધુનિક ટેકનોલોજી અને મોર્ફિંગ પ્રણાલીનો દુરુપયોગ કરીને આરોપી અને તેની ટોળકી અનેક લોકોને બ્લેકમેઈલ કરતી હતી એવું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...