મહાપાલિકાનો નવો નિયમ:હવે બે અથવા વધુ માળ પર કોરોનાગ્રસ્ત મળશે તો ઈમારત સીલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક જ ઈમારતમાં 10 કરતાં વધુ રહેવાસીઓ કોરોનાગ્રસ્ત હશે તો પણ ઈમારત સીલ

મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. એના પર નિયંત્રણ મેળવવા મહાપાલિકાએ ફરીથી કમર કસી છે. એક જ ઈમારતમાં 10 કરતા વધુ રહેવાસીઓ કોરોનાગ્રસ્ત થશે કે બે અથવા બે કરતા વધારે માળાઓ પર કોરોનાગ્રસ્ત દર્દીઓ મળશે તો સંબંધિત ઈમારત સીલ કરવાનો નવો આદેશ મુંબઈ મહાપાલિકાના કાર્યકારી મેડિકલ અધિકારીએ જારી કર્યો છે. ઈમારત સીલ કરવા બાબતની નિયમાવલી 13 મે 2020ના જારી કરવામાં આવી હતી. એ પ્રમાણે શરૂઆતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ મળ્યા બાદ સંબંધિત ઈમારત સીલ કરવામાં આવતી હતી.

આ ઈમારતના રહેવાસીઓને જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવી હતી. જોકે મનુષ્યબળની ઓછપ ધ્યાનમાં રાખતા આ નિયમમાં સુધારો કરવામાં આવ્યો અને સીલ કરેલી ઈમારતના કોરોનાગ્રસ્ત દર્દીના સગાસંબંધી, શંકાસ્પદ દર્દીઓના સગાસંબંધીઓ અને અન્ય રહેવાસીઓને જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવી. મહાપાલિકાના નિયમોનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી. એ સાથે સંપૂર્ણ ઈમારત સીલ કરવાના બદલે કોરોનાગ્રસ્ત દર્દી જે માળા પર રહેતો હોય એ માળો કે ઘર પ્રતિબંધિત કરવાનો આદેશ વચ્ચેના સમયમાં આપવામાં આવ્યો હતો.

હવે સીલ કરવાની ઈમારતના નિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. 15 સપ્ટેમ્બરના લીધેલી બેઠકમાં ચર્ચા થયા મુજબ ઈમારતમાં એક જ ઘરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ મળે તો એ પાર્ટલી સીલ કરવાનો નિર્ણય નવા આદેશમાં લેવામાં આવ્યો છે. એ અનુસાર સંબંધિત ઈમારતોમાં પરિસ્થિતિ ધ્યાનમાં લઈને વિંગ અથવા માળો સીલ કરવામાં આવશે. ઈમારતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા સંપૂર્ણ ઈમારત કે એનો થોડા ભાગ સીલ કરવા બાબતના અધિકાર મહાપાલિકાના વોર્ડ કાર્યાલયના સહાયક આયુક્ત અથવા મેડિકલ અધિકારીને આપવામાં આવ્યા છે.

સહાયક આયુક્ત - મેડિકલ અધિકારીનું કામ
કોરોનાના લક્ષણોવાળા દર્દીને મેડિકલ અધિકારી કે ડોકટરની સલાહ અનુસાર ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં (કોરોના કેર સેંટર-2 સહિત) દર્દીની આર્થિક ક્ષમતા અનુસાર તથા બેડની ઉપલબ્ધતા મુજબ દાખલ કરવો. ઈમારત કે વીંગમાં સ્વતંત્ર ટોઈલેટવાળા ઘર, માળાને પરિસ્થિતિ અનુસાર ઈમારત-માળાને મહાપાલિકા દ્વારા સીલ જાહેર કરવો જેમાં પ્રવેશ અને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. ભારત સરકાર કે મુંબઈ મહાપાલિકા દ્વારા જાહેર કરેલી ગાઈડલાઈન્સ મુજબ લક્ષણોવાળા દર્દીને હોમ ક્વોરન્ટાઈન કરવો. હોમ ક્વોન્ટાઈન, તકેદારી, ગાઈડલાઈન્સ માટે દર્દીનું કાઉન્સેલિંગ કરવું. અતિજોખમવાળા સંપર્ક જેમ કે દર્દીના કુટુંબીઓ, પડોશીઓ કે એ માળા પર રહેતા રહેવાસીઓને શોધવા અને શૌચાલયની ઉપલબ્ધતા મુજબ હોમ ક્વોરન્ટાઈનની સલાહ આપવી. મહાપાલિકાએ સિક્કો મારવાનું કામ કરવું.

મહાપાલિકા પ્રશાસન દ્વારા હવે પરિસ્થિતિ પ્રમાણે સેનિટાઈઝેશન અને અન્ય કામ-કાજ કરાશે
મહાપાલિકાએ ઘર, માળો, ઈમારત, લિફ્ટ, દાદરાને સેનિટાઈઝ કરવા. પરિસ્થિતિ મુજબ જરૂરી એરિયામાં જ સેનિટાઈઝેશન કરવું. સીલ કરેલી ઈમારત કે માળા લક્ષણો વિનાના પોઝિટિવ હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ અને તેમના સંપર્કના અતિજોખમી નાગરિકોનું સતત ધ્યાન રાખવું. પ્રોટોકોલ મુજબ દર્દીને સારવાર અને દવાઓ મળતા રહે એનું ધ્યાન રાખવું. અતિજોખમી જૂથના વરિષ્ઠ નાગરિકનું ઓક્સિજન સ્તર ચકાસવાનું અને ટેસ્ટ કરવામાં આવે. સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં લક્ષણો દેખાય તો એને શોધવાનું અને ટેસ્ટ કરવાનું કામ કરવું. કોરોનાગ્રસ્ત દર્દીના ક્વોરન્ટાઈનના ૧૪ દિવસ પૂરા થયા બાદ ઈમારતનું સીલ ખોલવાનો નિર્ણય વોર્ડના સ્તરે લેવાનો રહેશે.

શંકાસ્પદ દર્દી જણાય તો તરત મહાપાલિકાને માહિતી આપવી
કોરોનાગ્રસ્ત દર્દી કે શંકાસ્પદ દર્દીના ઘરે ખાદ્યપદાર્થો, દવા, જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડતા જરૂરી સંભાળ લેવામાં આવે. આ દર્દીઓની તબિયતની ફોન દ્વારા પૂછપરછ કરતા રહેવું. શંકાસ્પદ દર્દીઓમાં જો કોઈ લક્ષણો જણાય તો તરત મહાપાલિકાના અધિકારીઓને માહિતી આપવી. સીલ કરેલી ઈમારતમાં ડોકટર રહેતા હોય તો તેમણે સોસાયટીના રહેવાસીઓમાં ડર ન નિર્માણ થાય એ રીતે કોરોના સંદર્ભે માર્ગદર્શન અને તકેદારી રાખવાની સૂચનાઓ આપવી.

ક્વોરન્ટાઈન થયેલા નાગરિકો માટે મહત્વની સૂચના
સરકારના નિયમ પ્રમાણે આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવો. શંકાસ્પદ દર્દીઓમાં લક્ષણો દેખાતા થાય તો વોર્ડ કાર્યાલયને કે મેડિકલ અધિકારીને જાણ કરવી. માર્ગદર્શન મેળવવા અને બેડની ફાળવણી કરવા વોર્ડના વોર-રૂમ હેલ્પલાઈન પર ફોન કરવો અને ઈચ્છિત ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું. દર્દીએ તબિયતના સમાચાર મેડિકલ અધિકારીને આપતા રહેવા. હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓ ફરજિયાત નિયમોનું પાલન કરવું અને ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

સોસાયટીના પદાધિકારીઓ પર જવાબદારી
સંપૂર્ણ ઈમારત અથવા એનો થોડો ભાગ સીલ કર્યા પછી ત્યાંના વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવશે. સોસાયટીની મેનેજમેંટ કમિટી અને સભ્યોને નિયમો બાબતે માર્ગદર્શન આપવામાં આવશે. સીલ કરેલી ઈમારત અથવા ભાગમાં અવરજવર ન થાય એ માટે ખાનગી સુરક્ષારક્ષકો તૈનાત કરવા, સીલના સમયમાં ઘરકામ કરતા કર્મચારીઓ, શાકભાજી-ફળોના વિક્રેતાઓ અને સેવાસુવિધા ઉપલબ્ધ કરનારાઓને સંબંધિત ઈમારતમાં પ્રવેશ આપવામાં નહીં આવે. શાકભાજી અને ફળોના વિક્રેતાઓ, કરિયાણાની દુકાનવાળા, દવાની દુકાનવાળા સાથે ઓનલાઈન ઓર્ડર નોંધાવવા વાત કરવી. તેમ જ ઓર્ડર મુજબનો સામાન સીલ કરેલી ઈમારતની બહાર સુધી જ પહોંચાડવો. નોંધાવેલ સામાન આવી જાય પછી એને પહોંચાડતા સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવું પડશે, માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે અને હાથ સતત સેનિટાઈઝ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...