ભાસ્કર વિશેષ:અકસ્માત ટાળવા હવે મોટરમેન-ગાર્ડ પર કેમેરાની નજર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવે દ્વારા મોટરમેનની કેબિનના અંદર તથા બહાર સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે

સિગ્નલ લાલ હોવા છતાં એ ઓળંગવું, સ્પીડમર્યાદાનું ઉલ્લંઘન કરવું જેવા કારણોને લીધે લોકલ ટ્રેનનો અકસ્માત થવાની શક્યતા હોય છે. તેથી આ યંત્રણા સંભાળતા લોકલના મોટરમેન અને ગાર્ડની હિલચાલ પર નજર રાખવામાં આવશે. એના માટે મોટરમેન કેબિનની અંદર અને બહાર સીસી ટીવી કેમેરા લગાડવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે. કેન્દ્રિય રેલવે મંત્રાલયે આ પ્રસ્તાવને પહેલાં જ મંજૂરી આપી છે. 2021-22ના બજેટમાં પણ આ પ્રકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય રેલવે માર્ગમાં 3 હજારથી વધારે લોકલની ફેરીઓ થાય છે. એ સંભાળવા માટે રેલવે પાસે સ્વતંત્ર રેલવે વ્યવસ્થાપન યંત્રણા પણ છે. પણ કેટલીક વખત લોકલ ચલાવતા મોટરમેન તરફથી ભૂલ થાય છે. એના લીધે અકસ્માત થવાની શક્યતા હોય છે. સિગ્નલ લાલ હોવા છતાં લોકલ થોડી આગળ લઈ જવી, કોઈ સ્ટેશનમાં ઊભી રાખવાનું ભૂલી જવું, સ્પીડમર્યાદાનું ઉલ્લંઘન કરવું જેવી ઘટનાઓ બને છે. એનું પ્રમાણ ઓછું છે છતાં એના કારણે અકસ્માત થઈ શકે છે. આ પ્રકરણમાં દોષી જણાતા સંબંધિત કર્મચારીને સજા પણ કરવામાં આવે છે.

એકંદરે લોકલના મોટરમેન અને ગાર્ડ તરફથી યંત્રણા સંભાળતા કોઈ પણ ભૂલ ન થાય, ભૂલ થતી હોય તો તરત નિયંત્રણ કક્ષ અથવા બીજી યંત્રણા મારફત ધ્યાનમાં લાવી શકાય, રેલવે પ્રશાસન પાસે પૂરતા પુરાવા ઉપલબ્ધ થાય વગેરે માટે તકેદારી તરીકે લોકલના મોટરમેન અને ગાર્ડની કેબિન બહાર સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. તેમ જ તેમની વાતચીત રેકોર્ડ કરી શકાય અને સીધા રેલવેની બીજી યંત્રણા સાથે સંવાદ સાધી શકાય એ માટે ત્યાં રેકોર્ડિંગ ઉપકરણ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

226 લોકલની કેબિનની અંદર અને બહાર આ યંત્રણા લગાડવાનો નિર્ણય લેવાયાની માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે આપી હતી. એના માટે 2 કરોડ 80 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાને રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને મંજૂરી આપી છે. બે મહિનામાં ટેંડર પ્રક્રિયા પૂરી કરીને એ પછી છ મહિનામાં સીસી ટીવી કેમેરા અને અવાજ રેકોર્ડ કરતી સિસ્ટમ લગાડવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

મધ્ય રેલવેમાં વધુ 605 કેમેરા
રેલવે સ્ટેશન પરિસરમાં બનતા ગુનાઓ પર નિયંત્રણ મેળવવા સાથે જ મહિલાઓની સુરક્ષા માટે રેલવે પ્રશાસને સીસી ટીવીનું જાળું બિછાવવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર 2021માં 605 સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. મધ્ય રેલવેના સીએસએમટીથી ખપોલી, કસારા, પનવેલ, ઈગતપુરી સ્ટેશનમાં 2021માં કેમેરા લગાડવામાં આવશે. એના લીધે મધ્ય રેલવે ઉપનગરીય સ્ટેશનના કેમેરાની સંખ્યા 3 હજાર 122 થઈ છે.

લાઈટિંગમાં ફેરફાર
મધ્ય રેલવેના કેટલાક ઉપનગરીય સ્ટેશનના પ્લેટફોર્મ પર અંધારુ અને ઝાંખો પ્રકાશ હોવાથી ચોરી થવી અને બીજી ઘટનાઓ બને છે. પ્રવાસીઓની સૂચના અને રેલવેએ લીધેલા કયાસ બાદ કુર્લા, થાણે, કલવા, આસનગાવ, શહાડ, ઉલ્હાસનગર, આટગાવ, ટિટવાલા સ્ટેશનની પ્રકાશ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યાની માહિતી મધ્ય રેલવે જનસંપર્ક વિભાગે આપી હતી.

અકસ્માતનું શૂટિંગ
લોકલની મોટરમેન કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા પછી આ યંત્રણા સીધી રેલવેના ટીએમએસ સાથે (ટ્રેન મેનેજમેંટ સિસ્ટમ) જોડવામાં આવશે. ત્યાંના અધિકારીઓ તરફથી પણ મોટરમેન અને ગાર્ડ પર નજર રાખવામાં આવશે. લોકલ પર અજ્ઞાત વ્યક્તિ દ્વારા પથ્થરફેંક, કોઈ સિગન્લમાં ખરાબી, લાલ સિગ્નલ ઓળંગવું, તેમ જ કોઈ પ્રવાસીનો અકસ્માત પણ શૂટિંગ રેકોર્ડ થશે. તેથી મોટરમેન અને ગાર્ડ સાથે વાત કરીને આગળનું નિયોજન પણ કરી શકાશે.

વીડિયો સર્વેલન્સ સિસ્ટમ
રેલટેલની મદદથી વીડિયો સર્વેલન્સ સિસ્ટમ (વીડિયો દેખરેખ પ્રણાલી) મધ્ય રેલવેના ઉપનગરીય સ્ટેશનમાં લગાડવામાં આવશે. એમાં તમામ સ્ટેશનમાં સીસી ટીવી કેમેરાનું નિયંત્રણ કક્ષ હશે. અત્યારે ત્રણથી ચાર સ્ટેશનમાં મળીને એક જ નિયંત્રણ કક્ષ છે. નિયંત્રણ કક્ષમાં મોટી સ્ક્રીન હશે. કોઈ ઘટના બને તો સ્ક્રીન પર જોઈને તરત સુરક્ષા દળના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી શકશે.

અન્ય સમાચારો પણ છે...