ભાજપે વેર વાળ્યું:હવે ભાજપની સર્જિકલ સ્ટ્રાઈકઃ શિવસેનાના 10 નગરસેવક ફોડ્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલગામ - મુક્તાઈનગરમાં ઉપરાછાપરી આંચકા પછી ભાજપે વેર વાળ્યું

મહાપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ ફોડાફોડીનું રાજકારણ ગરમાયું છે. જલગામ અને મુક્તાઈનગરમાં શિવસેનાએ ઉપરાછાપરી આંચકા આપ્યા પછી ભાજપે માથેરાન નગરપાલિકામાં 10 નગરસેવકોને ફોડીને શિવસેનાનો મોટો આંચકો આપ્યો છે.

માથેરાન નગરપાલિકામાં શિવસેનાનું વર્ચસ હતું, પરંતુ ભાજપે રાજકીય સર્જિકલ સ્ટ્રાઈક કરતાં ગુરુવારે શિવસેનાના 10 નગરસેવકોને ફોડ્યા હતા. જલગામ અને મુકતાઈનગરમાં શિવસેનાએ ભાજપના ગડને ઉપરાછાપરી સુરંગ લગાવી દીધા હતા, જેની સામે હવે ભાજપે માથેરાન નગરપાલિકામાં રાજકીય સર્જિકલ સ્ટ્રાઈક કરતાં શિવસેનાને આંચકો આપ્યો છે. ભૂતપૂર્વ રાજ્યમંત્રી રવીંદ્ર ચવ્હાણની આગેવાનીમાં માથેરાન નગરપાલિકાના શિવસેનાના 10 નગસેવકોને ફોડવામાં ભાજપને સફળતા મળી છે.

આ સર્વ 10 નગરસેવકોને કોલ્હાપુરમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે સવારે ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની હાજરીમાં આ 10 નગરસેવકોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.માથેરાન મહાપાલિકામાં 17માંથી 14 નગરસેવકો શિવસેનાના હતા. તેમાંથી 10 નગરસેવકોને ફોડતાં શિવસેના પાસે ફક્ત 4 નગરસેવક બચ્યા છે. આથી માથેરાન નગરપાલિકામાં શિવસેનામાં મુશ્કેલીમાં મુકાઈ છે.

મુક્તાઈનગરમાં ફોડાફોડી પછી સ્ટ્રાઈક : જલગામના મુક્તાઈ નગરપાલિકાના ભાજપના 6 નગરસેવક અને એક અપક્ષ મળી 7 નગરસેવકોએ બુધવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે શિવસેનામાં રવેશ કર્યો હતો. આ પૂર્વે જલગામ મહાપાલિકાના ભાજપના 30 નગરસેવકોને શિવસેનાએ પોતાના કરીને મોટો આંચકો આપ્યો હતો. આ નગરસેવક શિવસેનાની છાવણીમાં જવાથી તેમની સામે વ્હિપ નહીં બજાવી શકતાં ભાજપે કોર્ટમાં અરજી કરી હતી. જોકે ઔરંગાબાદ ખંડપીઠે ભાજપની અરજી ફગાવી દીધી હતી. ભાજપે હવે માથેરાન નગરપાલિકા થકી આ વેર વાળ્યું છે. આગામી સમયમાં ફોડાફોડીનું રાજકારણ વધુ તેજ બનશે એવું આ પરથી જણાય છે.

કયા નગરસેવકે ભાજપમાં પ્રવેશ કર્યો ?
નગરસેવિકાઓ સોનમ દાબેકર, પ્રતિભા ઘાવરે, સુષમા જાધવ, પ્રિયાંકા કદમ, જ્યોતિ સોનવળે, રૂપાલી આખાડે, નગરસેવકો આકાશ ચૌધરી, રાકેશ ચૌધરી, સંદીપ કદમ, ચંદ્રકાંત જાધવે ભાજપમાં પ્રવેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...