હનુમાન ચાલીસા વિવાદમાં ન્યાયિક કસ્ટડી ભોગવી રહેલાં અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા પર હવે મહાપાલિકાની તવાઈ આવી છે. મહાપાલિકાએ રાણાના મુંબઈના ખાર ખાતેના તેમના નિવાસસ્થાનના દરવાજા પર નોટિસ લગાવી દીધી છે. આને કારણે રાણા દંપતીની મુસીબત વધી શકે છે.મહાપાલિકાએ રાણા દંપતીના ખારમાં તેમના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ થયું છે કે નહીં તેની તપાસ કરવા માગે છે એવી નોટિસ મોકલી છે.
રાણા દંપતીને 23 એપ્રિલના રોજ તેમના મુંબઈના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જેલમાં હોવાથી મહાપાલિકાના અધિકારીઓએ તેમના ઘરના દરવાજા પર નોટિસ લગાવી છે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1888ની કલમ 488 હેઠળ વોર્ડ એચ/વેસ્ટના નિયુક્ત અધિકારી દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. આ જોગવાઈ તેના અધિકારીઓને કોઈ પણ ઈમારતની મુલાકાત લેવાની અને કોઈ પણ ગેરકાયદેસર ફેરફારો કરવામાં આવ્યા છે કે કેમ તે તપાસવાની મંજૂરી આપે છે.
સૂચના મુજબ, નિયુક્ત અધિકારીએ ખુલાસો કર્યો કે તેઓ 4 મેના રોજ કોઈ પણ સમયે નિરીક્ષણ કરવા, ફોટો લેવા અને માપન માટે પરિસરમાં પ્રવેશ કરશે.નોંધનીય છે કે વિવાદ બાદ રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી નિવાસસ્થાન સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાની તેમની યોજનાને રદ કરી દીધી હતી તેમ છતાં તેઓને 23 એપ્રિલે મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધાં હતાં.
પ્રથમ એફઆઇઆરમાં, તેઓ પર કલમ 34 હેઠળ 153એ અને બોમ્બે પોલીસની કલમ 37(1) અને 135 એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં આ એફઆઈઆરમાં કલમ 124એ (રાજદ્રોહ) ઉમેરવામાં આવ્યા પછી તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
સરકાર સામે અવાજ ઉઠાવતાં નોટિસ
મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર સામે જે અવાજ ઉઠાવે તેમના ઘરમાં ગેરકાયદે બાંધકામનો આરોપ મૂકીને નોટિસોનો સિલસિલો ચાલુ જ છે. કંગના રણોત, નાયારાણ રાણે, મોહિત કમ્બોજ અને હવે નવનીત રાણાની ફ્લેટમાં મહાપલિકાને ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની તપાસ કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. આ તમામની સામે ગેરકાયદે બાંધકામ ર્ક્યું હોવાના આરોપસર નોટિસ અને બાદમાં કાર્યવાહી કરવા માટે નોટિસો આપી હતી. આ મામલે મહાપાલિકાને કંગનાના કેસમાં મુંબઈ હાઇ કોર્ટ દ્વારા તીખી આલોચના પણ ઝીલવી પડી હતી અને એ બાદ નારાયાણ રાણે સહિતના કેસમાં કોર્ટમાં મામલો પહોંચ્યો હતો, જેમાં પણ મહાપાલિકાને પીછેહઠ કરવી પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.