તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૃદયદ્રાવક ઘટના:મુંબઈમાં જન્મની ખુશીના પૈસા ન આપતાં નવજાત બાળકીનું બે કિન્નરે ઘરમાંથી અપહરણ કર્યું, ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિન્નર - Divya Bhaskar
કિન્નર
  • કોરોનાને લઈ આર્થિક ભીંસ હોવાથી પરિવારે માગણી પૂરી નહીં કરી શકતાં ઘોર કૃત્ય આચર્યું

કફ પરેડમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં આર્થિક ભીંસને લઈ પરિવાર બાળકીના જન્મની ખુશીમાં કિન્નરને પૈસા ન આપી શકતાં ત્રણ મહિનાની નવજાત બાળકીનું બે કિન્નરે ઘરમાંથી અપહરણ કરીને ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. તેમણે નવજાતની હત્યા કરીને દાટી કે પછી જીવતી દાટી દીધી એની તપાસ ચાલુ છે. નવજાતનું હોસ્પિટલમાંથી અપહરણ થવાના અનેક કિસ્સા છાશવારે બનતા રહે છે. જોકે બુધવારે રાત્રે એક નવજાતનું ઘરમાંથી કિન્નરે અપહરણ કર્યાની ઘટના બની હતી. સામાન્ય રીતે કોઈ પરિવારમાં નવજાતનો જન્મ થતાં કિન્નરો આશીર્વાદ આપવા પહોંચી જતા હોય છે.

નવજાત.
નવજાત.

તે સામે રોકડ રકમ અને વસ્તુઓની માગણી કરતી હોય છે. જોકે કોરોનાકાળમાં એક પરિવાર આર્થિક ભીંસમાં હોવાથી પૈસા આપી શક્યો નહોતો, જેથી ક્રોધિત કિન્નરે આ ઘોર કૃત્ય કર્યું હતું. આ ઘટના તળ મુંબઈના કફ પરેડની હદમાં આંબેડકરનગરમાં વિઠ્ઠલવાડી ખાતે બની હતી. આ વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય ચિતકોટ પરિવારમાં બાળકીનો જન્મ થયો હતો. દંપતીને એક છ વર્ષનો પુત્ર છે, જે પછી ઘરમાં લક્ષ્મી જન્મી હતી. તેનું નામ આર્યા રાખ્યું હતું. જોતજોતાંમાં નવજાત બાળકી ત્રણ મહિનાની થઈ ગઈ હતી.

દીકરી જન્મવાથી કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષીસ લેવા રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો. પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને રૂ. 1100 માગ્યા હતા, એમ સિનિયર પીઆઈ રાજકુમાર ડોંગરેએ જણાવ્યું હતું. જોડીદાર સાથે મળીને કૃત્ય: જોકે કોરોનાને લઈને પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેઓ બક્ષીસના રૂપમાં કશું જ કિન્નરને આપી શક્યા નહોતા, આથી કિન્નર ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગઈ હતી. તેણે વેર વાળવાનું નક્કી કર્યું હતું. આ મુજબ યોજના ઘડીને ગુરુવારે મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાની જોડીદાર સોનુ કાળેને જોડે લઈ ગઈ હતી.

ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી બંને કિન્નર છૂપા પગલે ઘરમાં ઘૂસી ગયા અને નવજાત બાળકીને ઉઠાવી ગયા હતા. આ પછી નવજાત બાળકીને આંબેડકરનગરની પાછળના ભાગમાં આવેલી ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. બીજી બાજુ સવારે પરિવાર જાગ્યો ત્યારે નવજાત ગુમ થયાનું જોઈને આંચકો લાગ્યો હતો. આ અંગે પરિવારે કફ પરેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં અને કિન્નર અને તેના સાગરીતને ઝડપી લીધા હતા, જેમણે પછી હત્યાની કબૂલાત કરી હતી, એમ ડીસીપી શશિકાંત મીનાએ જણાવ્યું હતું.

જેજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ
આરોપીઓએ નવજાતને ખાડી કિનારે દાટી ત્યાં જઈને પોલીસે લાશને કબજામાં લઈને જેજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કિન્નરોએ ગળું દબાવીને પછી બાળકીને દાટી કે જીવિત દાટી દીધી એ અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...