દરેક સ્પર્શ ખરાબ હેતુથી અથવા અસભ્ય ભાવનાથી પ્રેરિત હોતો નથી, એવી મહત્ત્વપૂર્ણ નોંધ કરીને બોરીવલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શાળાની બાળકીના વિનયભંગના ગુનામાં સ્પોર્ટસ ટીચરનો નિર્દોષછુટકારો કરી દીધો છે. સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચે વાળ જેટલો જ ફરક છે. આથી ફકત સ્પર્શ કરવાના આરોપ પરથી કોઈ આરોપી વિરુદ્ધ વિનયભંગનો આરોપ સિદ્ધ થઈ નહીં શકે, એમ પણ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું.
આ પ્રકરણમાં ફરિયાદી સાતમા ધોરણની વિદ્યાર્થિની છે. કોર્ટે તેનો જવાબ ધ્યાનમાં લેવા ઈનકાર કરી દીધો હતો. વિદ્યાર્થિનીએ 41 વર્ષીય ટીચરે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પ્રકરણે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે મહત્ત્વપૂર્ણ નોંધ કરી હતી. મેજિસ્ટ્રેટ એ આર માલવદેએ નોંધ કરી કે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચે વાળ જેટલો જ ફરક છે.
આરોપીએ પીડિતાને અનિચ્છનીય સ્પર્શ કર્યાના નક્કર પુરાવા કોર્ટ સામે રજૂ નહીં કરાય ત્યાં સુધી સ્પર્શને અસભ્ય ભાવનાથી કરેલો હુમલો કહી શકાશે નહીં અથવા ફરિયાદી છોકરી અથવા મહિલાની વિનયશીલતાનું અપમાન થયું છે એવું કહી નહીં શકાય.શિક્ષકની શાળા વિરુદ્ધ ફરિયાદ : દરમિયાન પીટી શિક્ષકે શાળા વ્યવસ્થાપન વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે.
શાળાનું મેદાન ભાડાથી અને લગ્નસમારંભ માટે આપવામાં આવતું હોવાથી વ્યવસ્થાપનનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ આ બાબતે શિક્ષકને ટેકો આપ્યો હતો. ફરિયાદીનો કાકો નગરસેવક હોઈ પ્રિન્સિપાલ પાસે નિયમિત આવજા કરે છે. આ બધી બાબતો કોર્ટના ધ્યાનમાં લાવવાં આવી.
તેની નોંધ લઈને જજે નોંધ કરી કે આરોપી અને શાળા વ્યવસ્થાપન વચ્ચે 5 ફેબ્રુઆરી, 2010ના રોજ વાદવિવાદ થયો હતો, જ્યારે હાલના પ્રકરણની એફઆઈઆર 25 ફેબ્રુઆરી, 2010ના રોજ દાખલ કરવામાં આવી હતી. આ પરથી આરોપીએ દલીલ કર્યા મુજબ તેની વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કર્યો હોઈ શકે એવું લાગે છે અને આરોપીનો નિર્દોષ છુટકારો કર્યો હતો.
વિદ્યાર્થિનીએ શું આરોપ કર્યો હતો
વિદ્યાર્થિનીએ આરોપ કર્યો હતો કે તે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે 8 જાન્યુઆરી, 2021ના રોજ પીટીના શિક્ષકે તેને કોમ્પ્યુટર રૂમમાં બોલાવી હતી. તે સમયે ત્યાં કોઈ પણ નહોતું. શિક્ષકે તેને ગેરલાભ લઈને કહેવાતી રીતે અયોગ્ય સ્પર્શ કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો કે બીજી વાર પણ શિક્ષકે આવું જ કર્યું હતું, પરંતુ ભયભીત હોવાથી કોઈને કહ્યું નહોતું.
જોકે 8 જાન્યુઆરીની ઘટના શાળાના પ્રિન્સિપાલને જણાવી. આ પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની સુનાવણી સમયે આરોપી વતી એડવોકેટ સુબોધ પાઠકે દલીલો કરી હતી. ઘટના બની ત્યારે એફઆઈઆર નોંધાવવામાં વિલંબ થયો હતો. ઘટના પછી એક મહિના બાદ 25 ફેબ્રુઆરી, 2010ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.