નિવેદન:બાબરી મસ્જિદ પાડી ત્યારે એક પણ શિવસૈનિક ત્યાં નહોતોઃ રાવસાહેબ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ પર સંકટ આવશે ત્યારે પક્ષભેદ ભૂલીને સાથે ઊભા રહેશું એવી સ્પષ્ટતા

મુંબઈને સ્વતંત્ર કરવા ઈચ્છતા ભાજપ નેતાના વક્તવ્યના કારણે મુંબઈને મહારાષ્ટ્રથી જુદું કરવાની ભાજપની રમત જાહેર થઈ છે. જો કે એવો પ્રયત્ન કરનારના ટુકડા ટુકડા થશે એવો ઈશારો આપતા ભાજપના વિકૃત હિંદુત્વના કારણે દેશની દુર્દશા થયાની ટીકા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર સભામાં કરી હતી. એ પછી ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી હતી.

મુંબઈમાં પ્રસારમાધ્યમો સાથે વાત કરતા કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું. રાજ્યની જનતાને આ સભા માટે ઉત્સુકતા હતી. મુખ્યમંત્રી રાજ્યને ઉદ્દેશીને કંઈક બોલશે એવી આશામાં બધાની નજર હતી. પણ મુખ્યમંત્રીનું ભાષણ સાંભળ્યા પછી બધા નિરાશ થયા છે.

મુખ્યમંત્રીના મોઢે અમે શું કરીયે છીએ, અમે શું કરશું અને રાજ્યની હાલની સ્થિતિ શું છે એવા પ્રકારના વક્તવ્ય થવા જોઈતા હતા. પણ વિકાસની ચર્ચા ન કરતા, રાજ્યની જનતાને કોઈ રાહત ન આપતા તેમણે ફક્ત ભાજપની ટીકા કરવાનું કામ કર્યું છે એમ દાનવેએ જણાવ્યું હતું.

તમે હિંદુત્વ છોડ્યું છે કે નહીં એનું પ્રમાણપત્ર આપવાની હવે જરૂર નથી. પણ તમે જણાવો છો કે અમે હિંદુત્વ નહીં ભાજપને છોડ્યો છે એના પરથી જ સાબિત થાય છે કે તમે હિંદુત્વ છોડ્યું છે કારણ કે બાળાસાહેબ ઠાકરેના સમયમાં અમે હિંદુત્વ છોડ્યું નથી એમ જણાવવાનો સમય કયારેય આવ્યો નહોતો.

જે પક્ષે અત્યાર સુધી શિવસેના અને ભાજપને ગાળો ભાંડી એવા લોકોની પંગતમાં જઈને તમે બેઠા છો. એનો અર્થ તમે હિંદુત્વ છોડ્યું છે. હિંદુત્વના ગપ્પા મારતા સભા લેવાનું હવે તમે બંધ કરવું જોઈએ. બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ સમયે હું ત્યાં હાજર હતો. એક પણ શિવસૈનિક એ સમયે ત્યાં નહોતો એમ રાવસાહેબ દાનવેએ સ્પષ્ટ કર્યું હતું.

પક્ષભેદ ભૂલીને એક થશું
મુંબઈ અલગ કરવાનું થયું ત્યારે બલિદાન આપનારાઓમાં ફક્ત આ લોકો જ હતા એવું નથી. સમગ્ર મહારાષ્ટ્ર સળગી ઉઠ્યું હતું. મુંબઈને છૂટું પાડવાનો કોઈને હેતુ નથી. મુંબઈ અભેદ્ય જ રહેશે. મુંબઈ પર જ્યારે સંકટ આવશે ત્યારે પક્ષભેદ ભૂલીને અમે બધા એક થઈ જઈશું એમ દાનવેએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...