નિવેદન:મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરોના નિયમોનું ઉલ્લંઘન નથીઃ રાઉત

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ ઠાકરેએ બાળાસાહેબનો જૂનો વિડિયો મૂકીને જવાબ આપ્યો

શિવસેનાના સાંસદ સંજય રાઉતે બુધવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અંગેની માર્ગદર્શિકાનું કોઈ ઉલ્લંઘન થયું નથી અને કોઈએ તેમની પાર્ટીને હિન્દુત્વ શીખવવું જોઈએ નહીં. જોકે એ પછી રાજ ઠાકરેએ એક ટ્વીટ કરીને બાળાસાહેબનો જૂનો વિડિયો મૂકીને જવાબ આપ્યો છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નું નામ લીધા વિના, રાઉતે કહ્યું કે હિંદુત્વનો મુદ્દો લઈને શિવસેનાની વિરુદ્ધ કાવતરું ઘડનારાઓને લોકો ગંભીરતાથી લેતા નથી. રાઉતે કહ્યું, મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના નિયમોનું કોઈ ઉલ્લંઘન નથી. રાજ્ય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યું છે. જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો સરકાર તેની સામે યોગ્ય પગલાં લેશે. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું, સ્થિતિ એ સ્તરે પહોંચી નથી જ્યાં મુંબઈ અથવા મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મુદ્દે આંદોલનની જરૂર હોય. તમામ મસ્જિદોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી લીધી છે.

દરમિયાન રાઉતને જવાબ આપતાં, રાજ ઠાકરેએ બુધવારે ટ્વિટર પર સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વિડિયો શેર કર્યો હતો, જેમાં શિવસેનાના સ્થાપક કહેતા જોવા મળે છે, કે જે દિવસે તેમની પાર્ટી સત્તામાં આવશે. તે સમયે શેરીઓમાં નમાઝ પઢવાનું બંધ કરાશે અને મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવશે. આ અંગે રાઉતે કહ્યું કે, અમે એટલા ઓછા નથી પડ્યા. અમે હજુ પણ તેમના સિદ્ધાંતોને અનુસરીએ છીએ. બાળાસાહેબે લાઉડસ્પીકર અને રસ્તા પર નમાઝ અદા કરવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. શિવસેનાને કોઈ હિન્દુત્વ ન શીખવે. રાઉતે રાજનું નામ લીધા વગર કહ્યું કે, જેઓ બાળાસાહેબને છોડીને ચાલ્યા ગયા તેઓ અમને હિન્દુત્વ વિશે ના બોલે.

રાજ ઠાકરેનું નામ લીધા વિના, શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર કાયદા હેઠળ ચાલી રહી છે અને કોઈના આપેલા અલ્ટિમેટમ પર નહીં. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. રાઉતે કહ્યું, મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર હોવા છતાં ઉદ્ધવ ઠાકરે તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ શિવસેનાના પ્રમુખ અને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના પુત્ર છે. તેથી તેમને રસ્તાઓ પર નમાઝ અદા કરવા અને મસ્જિદોમાં ગેરકાયદે લાઉડસ્પીકર વિશે સલાહની જરૂર નથી.

કેટલીક મસ્જિદો પાસે મનસેના કાર્યકર્તાઓ દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે તે અંગેના પ્રશ્નના જવાબમાં રાઉતે કહ્યું, મેં કોઈ આંદોલન જોયું નથી. જો ત્યાં કોઈ અનધિકૃત લાઉડસ્પીકર ગોઠવવામાં આવેલું નહીં હોય તો તમારે નક્કી કરવું પડશે કે તમે વિરોધ કરી રહ્યા છો કે કોઈ ગેરકાયદેસર કામ કરી રહ્યા છો.

અન્ય સમાચારો પણ છે...