ડ્રગ્સકેસ:આરોપીએ આર્યનને ડ્રગ્સનો પુરવઠો કર્યાના પુરાવા નથીઃ કોર્ટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફક્ત વ્હોટ્સએપ ચેટને આધારે ડ્રગ્સનો પુરવઠો કર્યો એવું કહી નહીં શકાય, પંચનામાની નોંધમાં ચેંડાં કર્યા અને શંકાસ્પદ હોય તેમ લાગે છે એવી નોંધ

ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની તપાસ સામે હવે કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે. વિશેષ કોર્ટે અચિત કુમારને ગયા સપ્તાહમાં જામીન આપવા સમયે એવી નોંધ કરી કે વ્હોટ્સએપ ચેટને આધારે આરોપીએ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન અને તેના ફ્રેન્ડ અરબાઝ મર્ચન્ટને ડ્રગ્સનો પુરવઠો કર્યો એવું કહી નહીં શકાય. કોર્ટનો વિગતવાર આદેશ હવે ઉપલબ્ધ થયો છે, જેમાં એનસીબીની પંચનામાની નોંધમાં ચેડાં કરાયાં છે અને શંકાસ્પદ લાગે છે એવું કહીને પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે.

વિશેષ જજ વી વી પાટીલે એનડીપીએસ ધારા સંબંધી કેસની સુનાવણી કરી હતી. આ સાથે 22 વર્ષીય અચિત કુમારને શનિવારે જામીન આપ્યા હતા. કોર્ટે વિગતવાર આદેશમાં નોંધ કરી છે કે આયન ખાન સાથે વ્હોટ્સએપ પર ચેટ કર્યા લિવાય અચિત કુમાર ડ્રગ્સનો પુરવઠો કરવામાં સંડોવાયેલો છે એવું દર્શાવતા કોઈ પુરાવા નથી. ફક્ત વ્હોટ્સએપ ચેટને આધારે અચિત કુમારે આર્યન અને અરબાઝને ડ્રગ્સનો પુરવઠો કર્યો એવું કહી નહીં શકાય. ખાસ કરીને એનસીબીએ આર્યન અને અચિત કુમાર વચ્ચે વ્હોટ્સએપ ચેટ્સનો આધાર લીધો હતો.

હાઈ કોર્ટે આર્યનને ગુરુવારે જામીનઆપ્યા છે.આર્યન અને અરબાઝની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. વિશેષ કોર્ટે એવી પણ નોંધ કરી કે અચિત કુમાર કેસના કોઈ પણ અન્ય આરોપીઓ સાથે સંકળાયેલો છે એવો પણ કોઈ પુરાવા નથી. પંચનામામાં ચેડાં કરાયાં છે અને ઘટનાસ્થળે તૈયાર કરાયું નહોતું, જેથી પંચનામામાં બતાવવામાં આવેલી ડ્રગ્સની જપ્તિ શંકાસ્પદ લાગે છે અને તેની પર આધાર રાખી નહીં શકાય. અચિત કુમારે આર્યન કે અન્ય કોઈને ડ્રગ્સનો પુરવઠો કર્યો એવું દર્શાવતા કોઈ પુરાવા રેકોર્ડ પર નથી અને તેથી અરજદાર જામીન પર મુક્ત થવા હકદાર છે, એવી નોંધ કોર્ટે કરી હતી.

આ કેસમાં આરોપી નં. 17 અચિત કુમારની 6 ઓક્ટોબરે એનસીબી દ્વારા આર્યન અને અરબાઝના નિવેદનને આધારે ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ દાવો કર્યો હતો કે અચિતના ઘરેથી 2.6 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબી અનુસાર અચિત કુમાર આર્યન અને અરબાઝને ગાંજા અને ચરસનો પુરવઠો કરતો હતો.એનસીબીની દલીલ હતી કે અચિત અને આર્યન વચ્ચે ડ્રગ્સ ચેટના રૂપમાં પુરાવા છે, જે દર્શાવે છે કે તેઓ ડ્રગ્સમાં લેણદેણ કરતા હતા.

અચિત વતી વકીલ અશ્વિન થૂલે દલીલ કરી હતી. વિશેષ કોર્ટે એવી પણ નોંધ કરી કે એનસીબીનો દાવો છે કે અચિત ડ્રગ્સ તસ્કર છે, પરંતુ એકેય અવસરે અચિતે તસ્કર તરીકે કામ કર્યું એવી નોંધ નથી. અચિતને 5 ઓક્ટોબરે તેના ઘરેથી કબજામાં લેવાયો હતો, પરંતુ એક દિવસ અનધિકૃત રીતે કબજામાં રાખીને 6 ઓક્ટોબરે ધરપકડ બતાવવામાં આવી હતી.

આયોજકો સામે પણ પુરાવા નથી
દરમિયાન કોર્ટે કોર્ડેલિયા ક્રુઝ પર લાઈવ શો આયોજિત કરનાર કેનપ્લસ ટ્રેડિંગ પ્રા. લિ. નામ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકળાયેલા ચાર જણને પણ જામીન આપતાં એવી નોંધ કરી કે જહાજ પર આયોજકોએ કોઈ પણ ગુનેગારોને ફાઈનાન્સ કર્યું હોય કે રક્ષણ આપ્યું હોય તેવું પણ એનસીબી પાસે કશું જ રેકોર્ડ પર નથી. આમાં સમીર સેહગલ, ગોપાલજી આનંદ, માનવ સિંઘલ અને ભાસ્કર અરોરાનો સમાવેશ થાય છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 20 આરોપીમાંથી 14 જણને હમણાં સુધી જામીન મળ્યા છે. આર્યન, અરબાઝ, મુનમુન ધામેચાને ગયા સપ્તાહમાં મુંબઈ હાઈ કોર્ટે જામીન આપ્યા હતા, જ્યારે બાકી આરોપીઓને વિશેષ એનડીપીએસ કોર્ટે જામીન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...