CIDએ પરમવીરની શોધ શરૂ કરી:પરમવીર સિંહનો કોઈ પત્તો મળતો નથી ,CIDએ ચાંદીવાલ પંચને કહ્યું

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચે હવે પુરાવાની નોંધ કરવા પ્રકરણ 18 ઓક્ટોબર સુધી મોકૂફ રાખ્યું

ભ્રષ્ટાચારની ફરિયાદ કરીને પોતે જ ભ્રષ્ટાચારના પ્રકરણમાં સપડાઈ ગયા પછી છેલ્લા કેટલાક મહિનાથી ગાયબ થઈ ગયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહનો ક્યાંય પત્તો લાગતો નથી, એવી રજૂઆત રાજ્ય સીઆઈડી દ્વારા જસ્ટિસ ચાંદીવાલ પંચ સમક્ષ કરવામાં આવી હતી. પંચે ત્રણ વાર પરમવીર સામે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યા હતા, પરંતુ તેઓ હાજર થયા નહીં. આ પછી રાજ્ય સીઆઈડીએ પરમવીરની શોધ શરૂ કરી હતી. જોકે પરમવીરનો ક્યાંય પત્તો મળતો નથી. તેઓ વિદેશમાં ભાગી ગયા હોવાનું પણ કહેવાય છે. હવે પંચે પુરાવાની નોંધ કરવા માટે ૧૮ ઓક્ટોબરે કેસ મોકૂફ રાખ્યો છે.

તત્કાલીન રાજ્ય ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસને હોટેલ- બારવાળા પાસેથી મહિને રૂ. ૧૦૦ કરોડનો હપ્તો ઊઘરાવવાનું ટાર્ગેટ આપ્યું હતું એવો આરોપ પરમવીરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કર્યો હતો. આ પછી મુખ્ય મંત્રીએ જસ્ટિસ કે યુ ચાંદીવાલનું એક સભ્યનું પંચ આ પ્રકરણની તપાસ કરવા માટે નીમ્યું હતું. સીઆઈડીએ પંચ સામે નોંધાવેલા અહેવાલ અનુસાર પોલીસની એક ટીમ પરમવીર જ્યાં હોવાની શક્યતા હતી ત્યાં મોકલવમાં આવી હતી.

બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરો
દરમિયાન દેશમુખના વકીલ અને તેમના અંગત સચિવ સંજીવ પાલાંડેના વકીલે પંચને અનુરોધ કર્યો છે કે પરમવીર સામે બિન- જામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કરવા જોઈએ અને તમની મિલકતોને ટાંચ મારવી જોઈએ. પરમવીરની મિલકતોને ટાંચ મારવા માટે કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પરમવીર પંચ સામે આવવાનું વારંવાર ટાળી રહ્યા છે, એમ દેશમુખના વકીલે જણાવ્યું છે. જોકે પંચે આ સામે કોઈ નિર્ણય હજુ સંભળાવ્યો નથી.નોંધનીય છે કે અગાઉ પંચ સમક્ષ હાજર નહીં થવા માટે પરમવીરના રૂ. ૫૦૦૦ અને બે વાર રૂ. ૨૫,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...