નિવેદન:રશ્મિ શુક્લાની ફરિયાદની વિગત નહીં મળે ત્યાં સુધી દેશમુખ સામે પગલાં નહીઃ CBI

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 જૂને ચીફ જસ્ટિસની ખંડપીઠ સામે હવે રાજ્ય સરકારની અરજીની સુનાવણી હાથ ધરાશે

પોલીસના પોસ્ટિંગ અને બદલીઓમાં કથિત ભ્રષ્ટાચાર વિશે સિનિયર આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદો સંબંધમાં દસ્તાવેજો મહારાષ્ટ્ર સરકાર પાસેથી માગતા પત્રો પર 9 જૂન સુધી પગલાં નહીં લેશે એવી બાંયધરી સીબીઆઈએ બુધવારે મુંબઈ હાઈ કોર્ટને આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર જસ્ટિસ એસ જે કાથાવાલા અનેજસ્ટિસ એસ પી તાવડેની વેકેશન બેન્ચ સામે સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ નિવેદન કર્યું હતું.

રાજ્ય સરકારે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે 21 એપ્રિલના રોજ સીબીઆઈ દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાંથી બે ફકરા સંબંધમાં કોઈ પણ તપાસ નહીં કરવા અને તે બાજુમાં મૂકવા સીબીઆઈને નિર્દેશ આપવા દાદ માગી છે. 5 એપ્રિલે હાઈ કોર્ટના આદેશ પરથી સીબીઆઈએ પ્રાથમિક તપાસ હાથ ધરવા દેશમુખ સામે એફઆઈઆર દાખલ કરી હતી.તેમાં એક ફકરામાં પોલીસ સેવામાંથી બરતરફ સચિન વાઝે દ્વારા દેશમુખ સામે આરોપોનો ઉલ્લેખ છે, જ્યારે બીજા ફકરામાં પોલીસ અધિકારીઓના પોસ્ટિંગ અને બદલીઓમાં ભ્રષ્ટાચાર સંબંધી ઉલ્લેખ છે.

રાજુએ બુધવારે દલીલ કરી હતી કે સરકારની અરજી 5 એપ્રિલે આદેશ આપ્યા હતા તે જ બેન્ચે સુનાવણી કરવી જોઈએ, કારણ કે આદેશનો અવકાશ તેના સંબંધમાં છે. જસ્ટિસ કાથાવાલાએ કહ્યું કે 5 એપ્રિલે આદેશ આપનાર ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી એસ કુલકર્ણી દ્વારા આ અરજીની સુનાવણી કરવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ ત્યાં સુધી તપાસમાં રાજ્ય સરકાર પાસેથી મગાવવામાં આવેલી માહિતી સંબંધમાં સીબીઆઈએ તેનો હાથ ઝાલી રાખવો જોઈએ.

‌‌‌CBI રાજ્યનો વહીવટ તપાસવા માગે છે
રાજ્ય સરકાર વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી રફિક દાદાએ ગયા સપ્તાહમાં કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓના પોસ્ટિંગ અને બદલીઓમાં ભ્રષ્ટાચારના આરોપ સંબંધમાં સરકારને શુક્લા દ્વારા આપેલા લેખિત પત્રની વિગતો અનેનકલો સીબીઆઈએ મગાવી છે. જોકે આ દસ્તાવેજો ગોપનીય હોવાથી આપી નહીં શકાય. સીબીઆઈ દેશમુખ સામેની એફઆઈઆરનો ઉપયોગ સંપૂર્ણ રાજ્યના વહીવટીતંત્રમાં તપાસ કરવા માટે કરવા માગે છે.

સંપૂર્ણ તપાસમાં લાગુ નહીં થાય
અમે મહારાષ્ટ્ર સરકાર પાસેથી સીબીઆઈ દ્વારા મગાવવામાં આવેલા દસ્તાવેજો રજૂ કરવા સંબંધમાં આ અરજી અન્ય બેન્ચ સામે લાવવામાં આવે ત્યાં સુધી અમારા હાથ બાંધી રાખીશું. જોકે રાજ્ય સરકાર પાસેથી મગાવવામાં આવેલી વિગતો પૂરતું જ તે મર્યાદિત રહેશે અને સંપૂર્ણ તપાસ માટે તે લાગુ નહીં થશે, એમ રાજુએ જણાવ્યું હતું.કોર્ટે આ નિવેદન સ્વીકારીને હાઈ કોર્ટની રજિસ્ટ્રી ઓફિસને અરજી 8 જૂનના રોજ અન્ય બેન્ચ સામે લઈ જવા નિર્દેશ આપ્યા હતા. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલું આ નિવેદન 9 જૂન સુધી લાગુ થશે એવી સ્પષ્ટતા કોર્ટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...