પોલીસની કોર્ટમાં ખાતરી:નિતેશ રાણેની 7 જાન્યુ. સુધી ધરપકડ નહીં કરાય

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાના પ્રયાસના કેસમાં નિતેશની અરજી વિશે પોલીસને જવાબ નોંધાવવા નિર્દેશ

રાજ્યના સિંધુદુર્ગ જિલ્લામાં હત્યાના પ્રયાસના નોંધાયેલા ગુનામાં 7મી જાન્યુઆરી સુધી ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણી સામે ધરપકડ સહિત કોઈ પણ કઠોર પગલાં લેવાશે નહીં એવી ખાતરી મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે મુંબઈ હાઈ કોર્ટને આપી હતી. જસ્ટિસ સી વી ભદંગની સિંગલ બેન્ચે આ સાથે નિતેશની આગોતરા જામીનની અરજી 7મી જાન્યુઆરી પર રાખી છે અને તે દિવસે અરજી સામે જવાબ નોંધાવવા પોલીસને નિર્દેશ આપ્યા છે. વિશેષ સરકારી વકીલ સુદીપ પાસબોલાએ કોર્ટને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે નિતેશ આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર છે અને તે પૂછપરછ ટાળી રહ્યો છે.

પાસબોલાએ જવાબ નોંધાવવા માટે સમય માગ્યો હતો, જેને લઈ નિતેશના વકીસ નીતિન પ્રધાને ત્યાં સુધી નિતેશને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપવામાં આવે એવી વિનંતી કરી હતી. પ્રધાને જણાવ્યું, નિતેશને ત્રાસ આપવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓ 24 ડિસેમ્બર, 2021ના રોજ સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ પછી તેમની ધરપકડ થઈ શકે એવી જાણકારી અપાઈ હતી, જેથી તેમણે આગોતરા જામીન માટે અરજી કરી છે.પાસબોલાએ દલીલ કરી હતી કે નિતેશની 24 ડિસેમ્બરે પૂછપરછ કરવામાં આવી ત્યાર પોલીસે હજુ તો કેસની તપાસ શરૂ કરી હતી. જોકે 26 ડિસેમ્બરે નિતેશના સાથીની ધરપકડ કરાતાં તેણે નિતેશની ભૂમિકા વિશે જાણકારી આપી હતી. નિતેશ જ આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર છે એવું અમારી તપાસમાં બહાર આવ્યું છે, એવો દાવો પણ તેમણે કર્યો હતો.

આ પછી હાઈ કોર્ટે અરજદાર અને પોલીસને 7મી જાન્યુઆરીના રોજ સાંભળશે. પાસબોલાએ મૌખિક બાંયધરી આપી કે 7 જાન્યુઆરી સુધી પોલીસ નિતેશ સામે કોઈ પણ આકરાં પગલાં લેશે નહીં. કોર્ટે પોલીસને કેસ ડાયરી રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ અરજીમાં દાવો કર્યો છે કે આ પ્રકરણમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને રાજકીય વેરને લીધે જ તેમને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. સિંધુદુર્ગમાં ગયા સપ્તાહમાં સેશન્સ કોર્ટે નિતેશની જામીન અરજી નકારી કાઢી હતી, જે પછી તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

ચૂંટણીમાં ભાગ લેવાથી રોકવા કેસ
સિંધુદુર્ગમાં કણકવલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા નિતેશે દાવો કર્યો છ્ ક્ 30 ડિસેમ્બર, 2021ના આયોજિત સિંધુદુર્ગ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં ભાગ લેવાથી રોકવાના એકમાત્ર લક્ષ્ય સાથે મારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. નિતેશ સામે ગયા મહિનામાં કણકવલી પોલીસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 120 (બી) (ફોજદારી કાવતરું) અને 34 (એકસમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સ્થાનિક શિવસેનાના કાર્યકર્તા સંતોષ પરબ પર બેન્કની ચૂંટણીના પ્રચાર દરમિયાન હુમલો કરવા સંબંધમાં છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં શિવસેનાને પછડાટ આપતાં નારાયણ રાણે પ્રેરિત પેનલની જ જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...