મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું છે કે અત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડ પર રહેલા કોવિડ પોઝિટિવ દર્દીઓની વાત કરીએ તો તેમાંથી 96 ટકા લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. બાકી જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમણે આઇસીયુમાં દાખલ થવાની કે પછી મોટા ભાગે હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી નથી.ચહલે કહ્યું કે, અત્યારે અમારી પાસે 21 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે.
અમારો વેક્સિનેશન રેટ પણ સારો છે તથા બે ડોઝ વચ્ચે 84 દિવસના અંતરને ધ્યાનમાં રાખી અમે આગળ પ્લાનિંગ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યારે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનો રેટ પણ ઘણો ઓછો છે. મુંબઈમાં છેલ્લા 3 દિવસથી 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં દર્દીઓની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. શુક્રવાર સુધીમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 35,645 પથારીઓમાંથી, 6,531 પથારીઓમાં દર્દી દાખલ હતા.
મુંબઈમાં 108 ટકા વસતિને પ્રથમ ડોઝ
મુંબઈમાં, મહાપાલિકાએ ઓછામાં ઓછા એક ડોઝ સાથે 108 ટકા વસતિને રસી આપી છે (આ સંખ્યા 100 ટકાથી વધુ છે, કારણ કે તેમાં અસ્થાયી વસતિનો સમાવેશ થાય છે). હાલમાં મુંબઈમાં 92 લાખ લોકો એવા છે જેઓ રસી માટે પાત્ર છે. મહાપાલિકાના ડેટા અનુસાર 89 ટકા દર્દીઓ એવા છે જેમને બે ડોઝ આપવામાં આવ્યા છે. 3 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મુંબઈમાં 15 થી 18 વર્ષની વયજૂથના 9 લાખ બાળકોને ડોઝ આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.