આગ:ટ્રક અને ટેન્કર વચ્ચે અથડામણ બાદ આગમાં 9 જણ બળીને ખાક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઝલ ટેન્કરમાં આગને લીધે આસપાસનાં જંગલોને પણ નુકસાન

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ડીઝલ ભરેલા ટેન્કર અને લાકડાં વહન કરતા ટ્રક વચ્ચે જોરદાર અથડામણ બાદ આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં નવ જણ બળીને ખાક થઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, આ અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ચંદ્રપુર-મૂલ રોડ પર થયો હતો.

ચંદ્રપુર સબ- ડિવિઝનલ પોલીસ ઓફિસર સુધીર નંદનવરે જણાવ્યું હતું કે, ચંદ્રપુર શહેર નજીક અજયપુર પાસે ડીઝલ ભરેલું એક ટેન્કર લાકડાના જથ્થો વહન કરતા ટ્રક સાથે અથડાયું હતું. દુર્ઘટનાને કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં નવ જણનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતના એક કલાક પછી ફાયર બ્રિગેડના જવાનો અજયપુર પહોંચ્યા હતા અને થોડા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ડીઝલ ટેન્કર પસાર થતું હતું ત્યારે સામેથી આવતા ટ્રકનું ટાયર ફાટ્યું અને ટ્રક બેકાબૂ થઈ ગયો અને સામેથી આવતા ટેન્કર સાથે અથડાયો હતો. આ અથડામણ બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટના બાદ રસ્તા પર ફેલાઈ ગયેલા ડીઝલને કારણે આસપાસના જંગલમાં અનેક વૃક્ષો બળી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...